સોમવારે ઓસ્કાર નોમિનેશનની જાહેરાતમાં પ્રિયંકાનું પ્રોડક્શન હાઉસ ભારતનું સૌપ્રથમ નોમિનેશન બન્યું હતુ. આ જાહેરાતમાં સૌથી નોંધપાત્ર બાબત એ રહી છે કે, ઓસ્કારના ઇતિહાસમાં સૌપ્રથમવાર અને કદાચ ફક્ત આ વર્ષ પૂરતું જ જે ફિલ્મો થિયટરમાં પ્રસિદ્ધ થઈ ન હતી અને સ્ટ્રિમિંગ સર્વિસિસ પર જ રિલીઝ થઈ હતી તેમને પણ કેટલાક પ્રતિષ્ઠિત એવોર્ડ માટે નોમિનેટ કરાઈ છે. અત્યાર સુધીના વર્ષોમાં ઓસ્કારની વોટિંગ બોડીમાં વ્યાપક વિસ્તરણ કરાયું છે. હાલ ૮૦૦થી વધારે નવા સભ્યોને સામેલ કરાયા છે. ૯૩મા એન્યુઅલ એકેડેમી એવોર્ડ માટે વ્હાઈટ ટાઇગર માટે પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનાસનું નામ સ્પર્ધક તરીકે સામેલ કરાયું છે. નેટફ્લેક્સની ખૂબ વખણાયેલી ફિલ્મ વ્હાઇટ ટાઇગરને બેસ્ટ એડપ્ટેડ સ્ક્રીનપ્લે માટે ઓસ્કાર નોમિનેશન મળ્યું છે. ફિલ્મ માટે તો આ એક મોટી સિદ્ધિ છે. પ્રિયંકા ચોપરા જોનાસ માટે આ ખુશીની પળ છે. કારણ કે, તેની પોતાની ફિલ્મનું નોમિનેશન થયું છે. આ સાથે જ પ્રથમ ભારતીય મૂળના પ્રોડક્શન હાઉસના માલિક તરીકે પ્રિયંકા નોમિનેટ થઈ છે. ફિલ્મમાં પિંકીની ભૂમિકા નિભાવતી પ્રિયંકાનું પર્પલ પેબલ પિક્ચર વ્હાઇટ ટાઇગરના એક્ઝિક્યુટીવ પ્રોડયૂસર તરીકે ઓસ્કાર માટે નોમિનેટ થવું ભારત માટે પણ ગૌરવપૂર્ણ છે. ઓસ્કાર નોમિનેશનની જાહેરાતમાં ડેવિડ ફિન્ચરની ડાઇરેક્ટેડ માંક ૧૦ નોમિનેશન સાથે ટોચ પર રહી હતી. જયારે ઓસ્કારના ઇતિહાસમાં સૌપ્રથમવાર બે મહિલાઓ-ક્લો ઝાઓ અને એમિરાલ્ડ ફેનેલી-બેસ્ટ ડિરેક્ટર તરીકે નોમિનેટ થઈ છે. બેસ્ટ પિક્ચર માટે આ વર્ષે આઠ ફિલ્મ્સ નોમિનેટ થઈ છે, જેમાં માંક સાથે ફેનેલીની પ્રોમિસિંગ યંગ વુમન, ઝાઓની નોમાડલેન્ડ, જુડાસ અને બ્લેક મસીહા, સાઉન્ડ ઓફ મેટલ, મિનારી અને ધી ટ્રાયલ ઓફ ધી શિકાગો ૭નો સમાવેશ થાય છે. બેસ્ટ ડિરેક્ટર કેટેગરીમાં ઇતિહાસ રચાયો હતો. આ અગાઉ આ કેટેગરીમાં અત્યાર સુધીમાં ફક્ત પાંચ મહિલા હતી. પરંતુ આ વર્ષે એકસાથે બે મહિલા મજબૂત દાવેદારી રહી છે. ઝાઓ એશિયા મૂળની પ્રથમ મહિલા છે કે જે આ એવોર્ડ માટે નોમિનેટ થઈ છે. અન્ય મહિલાઓમાં મિનારી માટે લી ઇસાક ચુંગ, માંક માટે ડેવિડ ફિન્ચર અને અનધર રાઉન્ડ માટે થોમસ વિન્ટરબર્ગનું નામ યાદીમાં દેખાયું છે.