અમેરિકાના એક વૈજ્ઞાનિકે ચંદ્ર પર દુનિયાભરની 67 લાખ પ્રજાતિઓના ડીએનએનો સંગ્રહ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. પૃથ્વીના અસ્તિત્વ સામે તોળાતા જોખમને કારણે તે આ પ્રકારે વિચારી રહ્યા છે. તાજેતરમાં યોજાયેલી IEEE એરોસ્પેસ કોન્ફરન્સમાં એરિઝોના યુનિવર્સિટીના સ્પેસ એન્ડ ટેરેસ્ટીયલ રોબોટીક એક્સપ્લોરેશન લેબોરેટરીના પ્રમુખ જેકનની આ વાત સાથે દુનિયાના અન્ય વૈજ્ઞાનિકોએ પણ પોતાની સહમતિ દર્શાવી હતી. સંશોધનકર્તા જેકન થાંગાએ કહ્યું છે કે, ધરતી પરની પ્રજાતિઓના ડીએનએને કોઈ પણ રીતે ચંદ્ર પર સ્ટોર કરાય તો આધુનિક ઈન્સ્યોરન્સ પોલિસી બનશે. તેના માટે આપણે એક લૂનર આર્ક બનાવવું પડશે. લૂનર આર્ક એક જીન બેંક હશે. આ ગુફાઓ 300 કરોડ વર્ષ જૂની છે. લૂનર આર્કને સોલર પેનલ્સ દ્વારા ઉર્જા મળશે. ઠંડા પડી ચૂકેલા લાવાથી બનેલી ચંદ્રની ગુફામાં રાખવામાં આવશે.
સંશોધક જેકન થાંગે દુનિયાના સંશોધકો સમક્ષ કરેલી દરખાસ્તમાં જણાવાયું છે કે, આ કામ માટે ધરતીથી ચંદ્ર સુધી જવા 250 રોકેટ્સની આવશ્યકતા રહેશે. મોટાભાગના વૈજ્ઞાનિકોનો મત છે કે આ યોજનાથી ધરતીના જીવ, ઝાડવા-છોડવા, વ્યક્તિ વગેરેને પ્રાકૃતિક અને માનવસર્જિત આફતોથી બચી શકાશે. પૃથ્વીના અસ્તિત્વ સામે જોખમ જોઈ રહેલા વૈજ્ઞાનિકોને આ યોજનાથી પ્રાણીઓના જીન્સ સુરક્ષિત રહેવાની આશા છે. જેકનના જણાવ્યા મુજબ મોટી પ્રાકૃતિક આપદા અથવા પ્રલય પૃથ્વીને નષ્ટ કરી શકે છે. જો આમ થાય તો ચંદ્ર પર આપણી જૈવિક વિવિધતાના જન્મદાતા ટકી રહેશે. અને તે પછી નવી જીવ સૃષ્ટિ ચંદ્ર પર સજીવન રહી શકશે. લૂનર આર્કમાં રાખેલા ડીએનએ અથવા જીન્સની મદદથી જૂના જીવને સજીવન થવાની તક મળશે. જેકને કહ્યું છે કે, આપણે આપણી બાયોડાવર્સિટીને બચાવવા માટે આ રીતના પ્રયાસ કરી શકીએ છીએ. જો એમ નહીં થાય તો પ્રકૃતિ અને માનવસર્જિત આપદાઓને કારણે ઘણી પ્રજાતિઓ ખતમ થતી રહેશે. ચંદ્ર પર લૂનર આર્ક બનશે તો તેનાથી ધરતીની જૈવિક વિવિધતા બચી રહેશે. માણસોના સ્પર્મ, મહિલાઓના એગ્સ, ઝાડ-છોડવાઓના બી, ફંગસ વગેરેને બચાવવા આ યોજના ઉત્તમ છે. તેને ક્રાયોજેનિકલી ફ્રોઝન કરીને ચંદ્ર પર રાખવાથી પ્રાણી સમુદાયને ફાયદો થશે.