મોદી સરકાર માટે દેશમાં સૌપ્રથમવાર એવી સ્થિતિ સર્જાઈ છે કે, જેમાં તેણે પ્રસાર કરેલા 3 કૃષિ કાયદાનો વ્યાપકપણે વિરોધ થઈ રહ્યો છે. 49 દિવસથી દિલ્હી સરહદે અડીંગો જમાવીને બેઠેલા હજારો ખેડૂતોને કાયદાને રદ કરવા સિવાય બીજું કંઈ ખપે તેમ નથી. બીજી તરફ સરકારે પણ આ મુદ્દાને પ્રતિષ્ઠાનો સવાલ બનાવી દેતા કાયદા રદ ન કરવાનું વલણ ચાલુ રાખવા ટકરાવની સ્થિતિ યથાવત રહી છે. આ વિવાદમાં સુપ્રીમ કોર્ટે સમિતિની રચના કરી ઉકેલ લાવવા પ્રયાસ આદર્યા છે. પણ સમિતિના તમામ ચાર સભ્યો કાયદાના સમર્થક હોવાથી ખેડૂતો રોષે ભરાયેલા છે.
ખેડૂત સંગઠનોનું કહેવું છે કે, જે સભ્યો પોતે જ કાયદાનું સમર્થન કરી રહ્યા હોય, તે ન્યાયસંગત રિપોર્ટ કઈ રીતે તૈયાર કરશે. દરમિયાન બુધારે ખેડૂત સંગઠનોએ ૪૯માં દિવસે પણ આંદોલન ચાલુ રાખવા મક્કમતા દાખવી હતી. દિલ્હીની વિવિધ સરહદે જ્યાં ખેડૂતોએ તંબુ તાણી દીધા છે ત્યાં બુધવારે સાંજે લોહરીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી કૃષિ કાયદા સામે વિરોધ પ્રદર્સન કરાયું હતુ. સિંધુ સરહદે ભેગા થઈને લોહરીની ઉજવણી વેળા ફરી કાયદા વિરોધી નારા ગૂંજ્યા હતા. વળી, લોહરી પર્વની ઉજવણી સમયે પ્રગટાવવામાં આવેલી આગમાં તલ, ગોળ, ગજક, રેવડી અને સિંગના બદલે કૃષિ કાયદાની નકલો હોમવામાં આવી હતી.
મોદી સરકારે બનાવેલા આ 3 કાયદા સામે દેશના ખેડૂતો પણ નારાજ છે. તેથી બુધવારે દિલ્હી ઉપરાંત દેશા ૨૦ હજાર સ્થળોએ કૃષિ કાયદાની નકલો બાળવામાં આવી હતી. ખેડૂતો દ્વારા એક સરહદે કાયદાની નકલો બાળવામાં આવ્યા બાદ ખેડૂત સાથીઓમાં તલ અને ગોળનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. ખેડૂત નેતાઓએ જણાવ્યું કે, સરકારે ૧૦ વર્ષ જૂના ટ્રેક્ટર પર પ્રતિબંધ મૂક્યો છે પણ અમે દિલ્હીના રાજમાર્ગો ઉપર આ ટ્રેક્ટરો ચલાવીને બતાવીશું. આ તકે આક્રમકતા સાથએ ખેડૂતોએ જણાવ્યું હતુ કે, કાયદા તો સરકારે પાછા ખેંચવા જ પડશે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે મીડિયા સમક્ષ કહ્યું હતુ કે, અમારો વિરોધ શાંતિપૂર્ણ રીતે થઈ રહ્યો છે. આંદોલન દરમિયાન કોઈપણ વ્યક્તિ દેશદ્રોહની વાત કરતી નથી. આમ છતાં સરકાર અને ભાજપ આ પ્રકારની વાતો ફેલાવે છે. જો ખરેખર કોઈ દેશવિરોધ વાત કરતું હોય તો સરકાર તેની ધરપકડ કરી શકે છે. દિલ્હીમાં ચાલી રહેલુ આ આંદોલન એકમાત્ર કાયદાના વિરોધમાં જ છે.