પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ ચૂંટણી પંચે આદર્શ આચાર સંહિતાના અમલ માટે જાગી ગયું છે. પંચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને જે રાજ્યોમાં ચૂંટણી થનાર છે તેવા વિસ્તારમાં કોરોનાની વેક્સીનના સર્ટિફિકેટમાંથી પીએમ મોદીની તસવીરને દૂર કરી દેવા આદેશ કર્યો છે. મળતી વિગતો મુજબ કેરળ, પુડુચેરી, અસમ, પશ્ચિમ બંગાળ અને તમિળનાડુમાં વિધાનસભાની ચૂંટણીને કારણ આચારસંહિતા અમલી બની છે. બીજી તરફ દેશમાં કોરોનાનું વેકસીનેશન ચાલી રહ્યું છે. જેમાં વેકસીન લીધા બાદ અપાતા પ્રમાણપત્રમાં મોદીનો ફોટો છે. તેથી જે પાંચ રાજ્યોમાં ચૂંટણી થનાર છે તે રાજ્યોમાં ચાલી રહેલા વેકસીનેશન કાર્યક્રમ પર પંચનું ધ્યાન ગયું છે. કોરોના રસીના સર્ટી પર મોદીના ફોટાથી ભાજપને લાભ થશે તેવી ફરિયાદો ઉઠતા પંચે કાર્યવાહી કરી છે. જેમાં ચૂંટણીવાળા રાજ્યોમાંથી વેક્સીન સર્ટિફિકેટ પરછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીર હટાવવા હુકમ કરી દીધો છે. પંચે સ્વાસ્થ્ય મંત્રાલયને તાકીદ કરી છે કે,
જે પાંચ રાજ્યોમાં આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે ત્યાં વેકસીનેશન ચાલુ રખાય તે સામે કોઈ વાંધો નથી. પરંતુ તે અંગે અપાતા સર્ટી.માં હાલ પીએમ મોદીનો ફોટો સ્વાસ્થ્ય મંત્રાલયે છાપ્યો છે. જે યોગ્ય નથી. આ બાબત ચૂંટણી આચાર સંહિતાનો ભંગ છે. તૃણમૂલ કોંગ્રેસે આ બાબતે ચૂંટણી પંચને લેખીત ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું છે. તે પછી ચૂંટણી પંચ દ્વારા સ્વાસ્થ્ય મંત્રાલયને આદેશ આપવા મજબૂર થવુ પડ્યાનું પણ કહેવાય છે. પંચે લખેલા પત્રમાં સ્વાસ્થ્ય મંત્રાલયને આચાર સંહિતાની કેટલીક જોગવાઈઓ વિશે છણાવટ કરી છે. સરકારી ખર્ચે જાહેરાત કરી શકાય નહીં તે બાબતનો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે. પંચે કોઈ વ્યક્તિ કે હસ્તીનો હવાલો નથી આપ્યો પણ સ્વસ્થ્ય મંત્રાલયને કહ્યું છે કે, તે આચાર સંહિતાની જોગવાઈઓનું અક્ષરસહ પાલન કરે તે અત્યંત આવશ્યક છે. ઉલ્લેખનીય છે કે, બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે કાંટાની ટકકર મનાય રહી છે. આવા સંજોગોમાં ભાજપ કોઈ લાભ ખોટી રીતે ખાટી ન જાય તે માટે ટીએમસી પુરેપુરી સતર્ક છે. પેટ્રોલ પંપ પરથી પણ મોદીના ફોટા હટાવવામાં ટીએમસીએની ફરિયાદ કારણભૂત હોવાનું મનાય છે. પશ્ચિમ બંગાળ, અસમ, તમિળનાડુ, કેરળ અને પુડુચેરીમાં કોરોના વેક્સીનના સર્ટિફિકેટ પર પ્રધાનમંત્રીની તસવીર ના છપાય તેવી તાકીદ પંચે વિપક્ષના વિરોધને ખાળવા માટે
કરી છે.