ભારતના અનેક રાજ્યોમાં હજી પણ રૃઢીચૂસ્તા અને અંધશ્રદ્ધા એટલી હદે વ્યાપ્ત છે કે, પ્રેમ કરવા બદલ પણ તાલીબાની સજાના કિસ્સા બની રહ્યા છે. યુપી અને બિહારમાં સામાન્ય પણે પ્રેમના કિસ્સામા પરિવારને મંજૂર ન હોય તો હત્યા સુધીની ઘટનાને અંજામ અપાઈ છે. પરંતુ હવે ગુજરાતના કેટલાક અંતરિયાળ જિલ્લામાં પણ પ્રેમના કિસ્સામાં યુવક -યવતી કે તેના પરિવાર પર અત્યાચાર કરવાના બનાવો બની રહ્યા છે. 10 દિવસ પહેલાં જ ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં યુવકની માતાને માર મારી યુરીન પીવડાવાયું હતુ. હવે આવી એક ઘટના દાહોદ જિલ્લાના એક ગામમાં બની છે. માનવતાને શર્મશાર કરતી આ ઘટનામાં યુવતીને ઢોર માર મરાયો હતો.
કેટલાંક લોકોએ ભેગા થઈને ખભા પર એક યુવકને બેસાડીને ગામમાં પરેડ કરાવી હતી. જયારે આ નરાધમોએ તે યુવકને પ્રેમ કરનાર યુવતીએ પહેરેલા કપડાં પણ ફાડી નાંખી તેને માર માર્યો હતો. આ બંને યુવક યુવતીનો વાંક એટલો હતો કે તે બંને વચ્ચે પ્રેમસંબંધ હતા. વળી, નરાધમોએ કપડા ફાડી નાંખ્યા બાદ યુવતી શરીર ઢાંકવા માટે આસપાસની મહિલાઓ તરફ દોડી હતી અને તેમની પાસેથી દુપટ્ટો લઈને શરીર ઢાંક્યું હતું. આ ઘટના દાહોદના ધાનપુરના ખજૂરી ગામે બની હતી. જેનો વીડિયો ઉતારીને વાયરલ કરાયો હતો. વીડીયોને આધારે પોલીસ દ્વારા 19 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે. અત્યાર સુધીમાં આ ઘટનામાં સામેલ 6 આરોપીને પોલીસે પકડીને જેલભેગા કરી દીધા છે. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે ધાનપુરાના ખજૂરી ગામે યુવક અને યુવતી વચ્ચેના પ્રેમસંબંધે ગામના જ કેટલાક લોકોનો વિરોધ હતો. તેથી યુવતી અને યુવક ભાગી જતાં ગામજનોએ તેને શોધી કાઢી અત્યાચાર ગુજાર્યો હતો.
જેમાં યુવતીને માથે યુવકને બેસાડી ગામમાં ફેરવવામાં આવી હતી. આ સમયે યુવકનો ભાર સહન ન કરી શકતા યુવતી અનેક વખત નીચે બેસી જાય છે. જોકે, નરાધમો તેને ફરીથી ઊભા થઈને પરેડ કરવાની ફરજ પાડે છે. વાયરલ થયેલા વીડિયોમાં એક યુવક બળજબરીથી યુવતીના કમરથી નીચેના કપડાં ફાડી નાખતો નજરે પડે છે. ત્યારબાદ યુવતી નિર્વસ્ત્ર હાલતમાં શરીર ઢાંકવા માટે દોડા-દોડી કરે છે. આ દરમિયાન, બે-ત્રણ મહિલા યુવતીને શરીર ઢાંકવા માટે દુપટ્ટો આપે છે. જોકે, નરાધમો આ દુપટ્ટો પણ ખેંચી નાખે છે. આદિવાસી વિસ્તારમાં જ્યારે કોઈ યુવતી પ્રેમી સાથે ભાગી જાય છે ત્યારે તેને ગામના લોકો જ સજા આપતા હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં બની રહેલા આવા કિસ્સાને રોકવા પોલીસ અને સરકાર નિષ્ફળ જઈ રહી હોવાનો બળાપો ઠલવાઈ રહ્યો છે.