પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના આરોપી અને ડાયમન્ડ બિઝનેસમેન મેહુલ ચોક્સી લાપત્તા હોવાના હેવાલ છે. 2018માં ભારતમાંથી ફરાર થઇ ગયા બાદ મેહુલ ચોક્સી કેરેબિયન દેશ એન્ટિગા એન્ડ બારબુડામાં રહેતા હતા. સમાચાર સંસ્થા એએનઆઇના હેવાલ મુજબ મેહુલ ચોક્સીના વકિલ વિજય અગ્રવાલે કહ્યું કે, તેમના પરિવારના સભ્યો ચિંતિત છે અને એ અંગે તેમણે મને ફોન કર્યો હતો. એન્ટિગાની પોલીસે તપાસ હાથ ધરી છે. સમાચાર સંસ્થા પીટીઆઇના જણાવ્યા અનુસાર એન્ટિગા ન્યૂઝરૂમ નામના એક સ્થાનિક મીડિયા સંસ્થાએ પોલીસ કમિશ્નર એટલી રૉડનીને ટાંકીને લખ્યું છે કે પોલીસ ભારતીય બિઝનેસમેન મેહુલ ચોક્સીને શોધી રહી છે, જેમના લાપત્તા થવાની અફવા છે. હેવાલ મુજબ એન્ટિગા એન્ડ બારબુડાની નાગરિકા ધારણ કરી ચુકેલા ચોક્સી છેલ્લે રવિવારે દ્વીપના દક્ષિણ વિસ્તારમાં જોવા મળ્યા હતા. એ બાદ તેમની ગાડી તો મળી પણ તેમનો કોઇ પત્તો નથી.
યાદ રહે કે ડાયમન્ડ બિઝનેસમેન મેહુલ ચોક્સી અને તેમનો ભત્રીજો નીરવ મોદી પર સરકારે બેન્ક પંજાબ નેશનલ બેન્ક સાથે 13500 કરોડ રૂપિયાનો ગોટાળો કરવાનો આરોપ છે. નીરવ મોદી હાલમાં લંડનની જેલમાં છે અને કેટલીય વખત તેની જામીન અરજી રદ થઇ ગઇ છે. નીરવ મોદી તેને ભારત પ્રત્યાર્પિત કરવા વિરૂધ્ધ અદાલતી લડાઇ લડી રહ્યો છે. જ્યારે મેહુલ ચોક્સી જાન્યુઆરી 2018 ના પહેલા અઠવાડિયામાં ભારતમાંથી ભાગી છુટ્યો હતો. તેણે 2017માં કેરેબિયન દેશ એન્ટિગા એન્ડ બારબુડાની નાગરિકતા ધારણ કરી હતી. આ દેશમાં ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ હેઠળ નાગરિકતા મળી શકે છે. નીરવ મોદી પણ લંડનમાં કાનુની લડાઇ લડી રહ્યો છે. તેને ભારત લાવવા માટે ભારત સરકાર સક્રિય છે. જો કે હજુ સુધી અદાલતના ચક્રવ્યુહમાં આખો કેસ અટવાયેલો છે. પરંતુ ભારત સરકારને આશા છે કે નીરવ મોદીને ભારત પાછો લાવી શકાશે. એ જ રીતે વિજય માલ્યાને પણ ભારત લાવવા માટે પ્રયાસ ચાલુ છે. આ ત્રણે બેન્ક સાથે કરોડો રૂપિયાની છેતરપીંડી કરી વિદેશ ભાગી ગયા હતા.