હાલના સમયે સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’નો ગુજરાત સહિત સમગ્ર દેશમાં ક્રેઝ ચાલી રહ્યો છે. દેશની જાણીતી હસ્તીઓ ‘પુષ્પા’ના વિવિધ ડાયલોગ અને ગીત પર સોશિયલ મીડિયામાં રીલ બનાવી રહ્યાં છે. આ દરમિયાન સુરત પોલીસે પુષ્પાના રંગમાં રંગાઇને શહેરીજનોને અપીલ કરી છે. ગુનાઓ ડામવા અને નિવારવા માટે સતત પ્રયત્નશીલ સુરત પોલીસ એક પોસ્ટર થકી સુરતીઓને અપીલ કરી છે. સુરતના લોકોની સમસ્યાના નિવારણ તેમજ ગુનાખોરીને ડામવા માટે સુરત શહેર પોલીસ દ્વારા સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ ફેસબુક અને ટ્વીટરના માધ્યમ થકી સતત લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરતી હોય છે.
સુરત પોલીસે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને લોકોને ચોંકાવી દીધાં હતા. આ પોસ્ટમાં અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’ના ડાયલૉગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં પુષ્પાના અંદાજમાં જ સુરત પોલીસ પ્રજાને કહી રહી છે કે, શહેરમાં કશું જ ઈલ્લીગલ દેખાય, તો નમવાનું નહીં, 100 નંબર ડાયલ કરવાનો.
જો કે, ફિલ્મમાં પુષ્પા નામનું કેરેક્ટર પોતે જ એક ગુનાહિત વ્યક્તિને દેખાડવામાં આવી રહ્યું છે ત્યારે બોદ્ધિક વર્ગ આનાથી ખુશ નથી. પુષ્પા ફિલ્મ જોઇને ગેંગ બનાવવાના મામલા પણ સામે આવ્યા છે એવામાં પોલીસ દ્વારા આ ડાયલોગના ઉપયોગ પર કેટલાક લોકોએ નારાજગી પણ દર્શાવી છે.