ભારતમાં કોરોનાના બેફામ સંક્રમણને કારણે આરોગ્ય સુવિધા ટાંચી પડી રહી છે. દેશ પાસે દવાઓનો સપ્લાય, ઓક્સિજન સપ્લાય અને મોટાપાયે રસી સુદ્ધા ન હોવાથી અસરકારક રીતે કોરોનો સામેનો જંગ ખેલાઈ રહ્યો નથી. વળી, રસીના અભાવે દેશમાં કોરોના સામેની રસીકરણ ઝુંબેશ પણ નબળી પડી ચુકી છે. તેથી હાલમાં રસીકરણ અભિયાનની સ્થિતિની સમીક્ષા કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. મોદીએ તેલંગણા, આંધ્ર, ઓડિશા અને ઝારખંડના મુખ્યમંત્રીઓ તથા પુડ્ડુચેરી અને કાશ્મીરના ઉપરાજ્યપાલ સાથે પણ બેઠક યોજીને રાજ્યોની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. ગુરુવારની બેઠકમાં અમિત શાહ, રાજનાથ સિંહ, નિર્મલા સીતારામન, ડો. હર્ષવર્ધન, મનસુખ માંડવિયા જેવા પ્રધાનોએ હાજરી આપી હતી. અધિકારીઓ દ્વારા પીએમને દેશના ૧૨ રાજ્યો વિશે રિપોર્ટ રજૂ કરાયો હતો. જ્યાં હાલમાં એક લાખ કરતા વધારે એક્ટિવ કેસ છે. આ પહેલાં પણ વડાપ્રધાને રાજ્યોની સ્થિતિની સમયસર સમીક્ષા કરી હતી. ગુરુવારે બેઠક દરમિયાન મંત્રીઓ અને મંત્રાલયો દ્વારા થઈ રહેલી કામગીરીની માહિતી રજૂ કરાઈ હતી.
ગુરુવારે મોદીએ તમામ અધિકારીઓ અને મંત્રીઓને આદેશ આપ્યો હતો કે, જે રાજ્યોમાં લોકડાઉન હોય કે પ્રતિબંધો હોય ત્યાં પણ રસીકરણની પ્રક્રિયા અટકે નહીં તેનું પુરતુ ધ્યાન રાખવુ આવશ્યક છે. આ સાથે જ લોકડાઉનથી લોકોને મુશ્કેલી ન પડવી જોઈએ. મોદીએ વધુમાં જણાવ્યુ હતુ કે, રાજ્યોની માળખાકીય સુવિધાઓ વધારવા ઝડપથી મદદ અને પ્રશિક્ષણ પૂરા પાડવાની દીશામાં તમામ લોકો કામે લાગી જાય. તે ઉપરાંત રસીકરણમાં જોડાયેલા ડોક્ટર, સ્વાસ્થ્ય કર્મીઓને બીજે ન ખસેડવા કે અન્ય કામગીરીમાં વ્યસ્ત ન કરવાનુ ધ્યાન રાખવાનું છે. લોકોને રસીકરણ માટે વધુમાં વધુ પ્રોત્સાહિત કરવા જરુરી છે. આ સમયે અધિકારીઓએ રેમડેસિવિર અને અન્ય દવાઓના ઉત્પાદન અને વિતરણમાં ઝડપ આવી ગયાનો દાવો પણ કર્યો હતો. સાથે જ રાજ્યોને વધારેમાં વધારે રસીના ડોઝ મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું જણાવ્યું હતુ.