ભારતમાં કોરોનાની ત્રીજી લહેરના પડઘમ વચ્ચે પર્યટન સ્થળો અને હિલ સ્ટેશનો પર ઉમટી રહેલી ભીડને પગલે વડાપ્રધાને બે દિવસ પહેલાં જ ચિંતા વ્યક્ત કરી હતી. દરમિયાન મંગળારે કોરોનાના કેસમાં ફરી ઉછાળો આવ્યો હતો. બુધવારે તો 24 કલાકમાં કોરોનાના નવા 38,792 કેસ નોંધવા સાથે વધુ 624ના મોત નોંધાતા સરકાર અકળાઈ ઉઠી છે. કેન્દ્ર સરકારે રાજ્યોને સપષ્ટ રીતે નિર્દેશ કરી દીધો છે કે, નિયમોનું પાલન ન થતું હોય તે વિસ્તારોના જવાબદાર અધિકારી સામે પણ પગલા લેવામાં આવે. આ ઉપરાંત જે વિસ્તારોમાં લોકો ગાઈડલાઈનની અવગણના કરી રહ્યા છે તેવા વિસ્તારોમાં ફરી લોકડાઉન કરી દેવામાં આવે તે આવશ્યક છે. મળતી વિગતો મુજબ કોરોનાની બીજી લહેર શાંત થવા સાથે વિવિધ રાજ્યો અને પ્રદેશના સત્તાધીશોએ અનેક છુટછાટો આપી છે. જેને કારણે હાલ હિલ સ્ટેશનો અને પર્યટન સ્થળો પર લોકોની ભીડ જામી રહી છે. આવા દ્રશ્યો જોઈને મોદીએ પણ લોકોને પ્રોટોકોલનું પાલન કરવાની અપીલ કરી હતી, જોકે તેની અસર બહુ સામાન્ય જોવા મળી રહી નથી. જેને પગલે કેન્દ્ર સરકારે તેની નોંધ લીધી છે.
દરમિયાન ગૃહ મંત્રાલયે એક આદેશ જારી કરતા કહ્યું છે કે, દરેક રાજ્યોના સત્તાધીશો તેના પ્રદેશમાં જયાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન થતું દેખાય ત્યાં લોકડાઉન લાગુ કરી શકે છે. હાલ અનેક વિસ્તારમાં કોવીડની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતુ દેખાય રહ્યું છે. આ બાબત ગંભીર છે. જે કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી શકે છે. ગૃહમંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે, કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે તાત્કાલીક ધોરણે પગલા ભરાવવા જોઈએ. આ ઉપરાંત જે અધિકારીઓને આ નિયમોનું પાલન કરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે તે અધિકારીઓ જો ફરજમાં બેદરકારી રાખે તો તેની સામે પણ કડક ભરવા જોઈએ. કેન્દ્ર સરકારે બુધવારે સાંજે જ કહ્યું હતુ કે, મંગળવારે ભારતમાં કોરોના વાઇરસના નવા ૩૮,૭૯૨ કેસો સામે આવ્યા છે. જ્યારે ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૬૨૪ લોકોના મોત નિપજ્યા છે. મંગળવારે કોરોનાના ૧૯ લાખ ટેસ્ટ કરાયા હતા. કેટલાક રાજ્યોમાં કોરોનાની રસીની અછતની ફરિયાદો થઇ રહી છે એવામાં કેન્દ્ર સરકારે રાજ્યોને આદેશ આપ્યો છે કે જે વિસ્તારોમાં રસીની અછત હોય અને સપ્લાય પુરવઠા પર અસર થઇ રહી હોય તો તેનો રિપોર્ટ પણ તાકીદે રજૂ કરવામાં આવે. આ સાથે જ ખાનગી કેન્દ્રો પર રસીકરણની સ્થિતિનો અહેવાલ આપવા પણ રાજ્યોને તાકીદ કરાઈ છે. સરકારે વધુમાં કહ્યું હતુ કે, દેશમાં કોરોનાની બીજી લહેર હજુ પૂર્ણ થઈ નથી. જેથી દરેક નાગરિકે કોરોના સામે બનાવાયેલા નિયમોનું યોગ્ય રીતે પાલન કરવું જોઇએ.