રાજ્યના છ મહાનગરોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવાની તંત્રની ઘેલછાનો ભોગ છેવટે પ્રજાએ બનવું પડી રહ્યું છે. ૨૩મી ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ પરિણામ જાહેર થયા બાદ 30 જ દિવસમાં મહાનગરોમાં કોરોનાના કેસનો રાફડો ફાટી નીકળ્યો છે. ગુજરાતના મોટાશહેરોમાં નોંધાતા કોરોનાના કેસમાં મોટા ઉછાળો આવ્યો છે. મંગળવારે કુલ ૧,૭૩૦ કેસ પૈકી ૧,૩૭૮ એટલે કે, ૭૪ ટકા કેસ આ છ મહાનગરોમાં નોધાયાં હતા. દૈનિક કેસની ટકાવારી પ્રમાણે જોઈએ તો 30 દિવસમાં ૧૧૨ ટકાથી લઇને ૬૮૦ ટકા સુધીનો વધારો નોંધાયા છે. જે બાબત આરોગ્ય ખાતા તથા સરકાર માટે મોટી ચિંતાનું કારણ બની છે.
છેલ્લાં 30 દિવસમાં સુરતમાં દૈનિક કેસની સંખ્યામાં ૬૮૦ ટકા, અમદાવાદમાં ૬૨૮ ટકા, ભાવનગરમાં ૩૫૦ ટકા, જામનગરમાં ૧૮૭ ટકા, રાજકોટમાં ૧૬૬ ટકા અને વડોદરામાં ૧૧૨ ટકાનો વધારો જોઈ શકાયો છે. ફેબ્રુઆરી મહિનામાં કેસ નોધાવાની સ્થિતિ અને હાલના કેસની સંખ્યાની સરખામણી કરવામાં આવે તો, ૨૩મી ફેબ્રુઆરી-૨૦૨૧ના રોજ અમદાવાદ શહેરમાં ૬૯ કેસ નોધાયા હતા જે માર્ચની 23મીએ ૫૦૨ ઉપર પહોંચી ગયો છે. જયારે 23 ફેબ્રુઆરીએ સુરતમાં કોરોનાના ૬૧ કેસ નોધાયા હતા. જે આંકડો આજે વધીને ૪૧૫ થઈ ગયો છે. ભાવનગરમાં માત્ર ૪ કેસ 23 ફેબ્રુઆરીએ નોધાયા હતા જે વધીને ૧૮ થયાં છે. એ જ રીતે વડોદરામાં 67 ઉપરથી આ આંકડો 142 થઈ ગયો છે. રાજકોટમાં ૪૪ કેસથી વધેલો આંકડો માર્ચની 23મીએ ૧૧૭ થઈ ગયો છે. જામનગરમાં 23 ફેબ્રુઆરીએ ૮ કેસ નોધાયા હતા જે માર્ચ 23મીએ વધીને 23 થઈ ગયો છે.