થર્મલ પાવર સ્ટેશનના STPનું દૂષિત પાણી મહીમાં છોડાતું હોવાની શંકા મહી નદીમાં નડિયાદ GPCBની ટીમ દ્વારા દરોડો મહિસાગર નદીમાં વિવિધ સ્થળેથી પાણીના સેમ્પલ લેવાયા નડિયાદ GPCBની ટીમની રિજીઓનલ ટીમ દ્વારા શુક્રવારના રોજ મહિસાગર નદીમાં રેડ પાડવામાં આવી હતી. જેમાં ટીમના 5 સભ્યો દ્વારા મહિસાગર નદીના વિવિધ સ્થળેથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. થર્મલ પાવર સ્ટેશનના એસ.ટી.પી.દ્વારા દૂષિત પાણી પવિત્ર માતા મહીસાગર નદીમાં ભેળવી રહ્યા હોવાનો આક્ષેપ થતાં ટીમ દ્વારા દરોડો પાડ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
ખેડા જિલ્લાની જીવાદોરી સમાન મહિસાગર નદીને પ્રદુષિત થતા અટકાવવા માટે GPCBની ટીમે શુક્રવાર બપોરે દરોડો પાડ્યો હતો. વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનના એસ.ટી.પી પ્લાન્ટમાંથી દુષિત પાણી પાઇપલાઇન મારફતે ઠાલવવામાં આવે છે. એસ.ટી. પી.પ્લાન્ટ નાનો હોઇ તેને મેન્ટન કરાતો નથી. એસ.ટી.પી.પ્લાન્ટની કેપેસિટી છોડવામાં આવતા પાણી કરતા ઓછી હોવાથી દૂષિત પાણી પણ મહીસાગર નદીમાં જાય છે. જેના કારણે લોકોની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે. કારણ કે મહીસાગરનો ગામડાં અને શહેરનાં લોકો પીવાના પાણીમાં પણ ઉપયોગ કરે છે. તેમજ દૂષિત પાણીના કારણે ચામડી જન્ય રોગો થવા પામ્યા છે. જોકે GPCB ટીમ દ્વારા લેવાયેલ દૂષિત પાણીના સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત સામે આવશે.