જૂન માસમાં ચોમાસાનું વિધિવત આગમન થયા બાદ મેઘરાજાએ 28 દિવસથી વિરામ લીધો હતો. જો કે, હવે ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થવાની પ્રબળ સંભાવના છે. દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં અસહ્ય ઉકળાટ વચ્ચે શનિવારે સવારથી જ આકાશમાં કાળાડીંબાગ વાદળો છવાઈ ગયા હતા. જયારે અમરેલી પંથકમાં વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત કુતિયાણા, પોરબંદર, વિસાવદર, જામજોધપુર અને જૂનાગઢમાં વરસાદના ઝાપટા પડયા હતા.શુક્રવારે સાંજે અમરેલી, ખાંભા, લીલીયા, સાવરકુંડલા, લાઠી, રાજુલા, સાવરકુંડલામાં 1 થી 2 ઈંચ પાણી પડ્યું હતુ. જેને કારણે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી ગઈ હતી.
શુક્રવારે રાજકોટમાં અસહ્ય ઉકળાટ રહ્યો હતો. જયારે અમરેલી પંથકમાં સાંજના સમયે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને એકાએક વરસાદ થયો હતો. સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં દોઢથી બે ઈંચ વરસાદ નોંધાયો હતો. જયારે રાજુલા પંથકમાં પણ જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતુ. ખાંભા પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રીથી ખેડૂતો ખુશ થઈ ગયા છે. જૂનાગઢમાં વરસાદનું હળવું ઝાપટુ પડતા ઉકળાટમાં વધારો થયો હતો. આ ઉપરાંત જામજોધપુર, પોરબંદર અને કુતિયાણામાં 4 એમ.એમ.વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. એ જ રીતે અમરેલી પંથકમાં 1થી 2 ઇંચ વરસાદ થયો હતો. શુક્રવારે સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, જામનગર, જુનાગઢ, પોરબંદર અને દક્ષિણ ગુજરાતમાં વલસાડના વિવિધ વિસ્તારમાં છુટો છવાયો વરસાદ થયો હતો. .
બીજી તરફ શનિવારથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદની આગાહી થઈ છે. શનિવારે રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે. જયારે રવિવારે દક્ષિણ અને મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નવસારી, વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે. આ દિવસે રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે. હવામાન ખાતાના અંદેશા મુજબ સોમવારથી દક્ષિણ ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી છે. આમ ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થવાની આગાહી થઈ છે.