હિમાચલ પ્રદેશમાં મંગળવારે મોડીં સાંજથી શરુ થયેલા દેમાર વરસાદને કારણે જનજીવન ઠપ્પ થઈ ગયું છે. ત્યા જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવાની ઘટના ઘટી હતી. જેમાં 4 લોકોના મોત થયા હતા. જયારે અત્યાર સુધીમાં 39 લોકો લાપતા હોવાની પૃષ્ટિ સ્થાનિક તંત્રએ કરી છે. મળતી વિગતો મુજબ પૂંછ, રાજૌરી, રિયાસી અને તેની આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થયો હતો. જમ્મુ-કાશ્મીર ઉપરાંત હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે અલગ-અલગ જગ્યાએ તબાહી મચી છે. લાહૌલ સ્પિતિ જિલ્લામાં વાદળ ફાટવાના કારણે આવેલા પૂરના કારણે તબાહી મચી છે. લાહૌલના ઉદયપુરમાં બનેલી આ ઘટનામાં લગભગ 10 લોકો ગાયબ થયા છે.
આ ઘટનામાં મજૂરોના 2 ટેન્ટ અને જેસીબી તણાઈ ગયા છે. પોલીસ અને આઈટીબીપી ટીમ ગૂમ લોકોને શોધી રહી છે. જયારે અન્ય કેટલાક લોકોને ઈજા થયાના અહેવાલો છે. બીજી તરફ કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલન થયા બાદ સાંગલા-છિતકુલ માર્ગ પર ટ્રાફિક વ્યવહાર સંપૂણ પણે બંધ કરવા પડ્યો હતો. જેને કારણે બસ્પા ઘાટીના અંતિમ ગામો છિતકુલ અને રક્ષકમાં 60થી 80 પર્યટકો ફસાઈ ગયા હતા. આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતુ કે, મંગળવારે સાંજથી ભારતના હિમાચલ તથા જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદી માહોલ છવાયો છે. કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના હોનજર વિસ્તારમાં બુધવારે સવારે 4:20 વાગ્યાની આસપાસ વાદળ ફાટયું હતુ. જેને કારણે ધોધમાર વરસાદ સાથે પાંચ ઘર જમીનદોસ્ત થઈ જતાં તેમાં રહેતાં પાંચ નાગરિકો તેમાં દબાઈ જતા ગંભીર ઈજા પામ્યા હતા. જેને કારણે તે તમામ પાંચ લાકોના મોત નિપજ્યા હતા.
જયારે વાદળ ફાટવાની ઘટનાને કારણે વિસ્તારના 39 લોકો લાપતા છે. જેઓને શોધવા માટે કવાયત શરુ કરી દેવાઈ છે. ઘટનાની જાણ થતાં જ રાહત અને બચાવ અભિયાન માટે સેના, પોલીસ તથા એનડીઆરએફના જવાનો સ્થળ પર પહોંચી ગયા હતા. બીજી તરફ હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીરમાં વધુ વરસાદની આગાહી કરી હતી. 30 જુલાઈ સુધી અહીં વરસાદ ચાલું રહેવાની સંભાવના છે. આ સાથે જ ક્યાંક ક્યાંક ભારે વરસાદની શક્યતા છે અને પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. આવા સંજોગોમાં લોકોને હવામાન વિભાગે સતર્ક રહેવાની સલાહ આપી છે.