પાકિસ્તાનમાં તૈનાત એક ચીની ડિપ્લોમેટસે કરેલી ટ્વિટ વિવાદનું કારણ બની છે. આ ટ્વિટથી આખા પાકિસ્તાનમાં હોબાળો મચવા સાથે ઈમરાન સરકારે પણ લોકોના ગુસ્સાનો ભોગ બનવું પડી રહ્યું છે. પાકિસ્તાનમાં સર્જાયેલા આ વિવાદ અંગે મળતી વિગતો એવી છે કે, પાક.મા આવેલા ચીની દૂતાવાસના કાઉન્સિલર અને ડાયરેકટર જેંગ હેક્વિંગે બે દિવસ પહેલાં બે ટ્વીટ કરી હતી. જેમાં એક ટ્વીટમાં તેઓએ ચીનના મુસ્લિમ વસતીવાળા શિનજિયાંગની એક છોકરી સાથે ડાન્સનો વીડિયો પણ મુક્યો હતો. આ સાથે જ ઇંગ્લિશ અને ચાઇનીઝમાં તેમણે લખ્યું હતુ કે, તમારો બુરખો ઉઠાવો, મારે તમારી આંખો જોવી છે. જેંગ હેક્વિંગે બીજી ટ્વીટમાં લખ્યું હતુ કે, ચીનમાં શિનજિંયાગમાં ગવાયેલુ તે ગીત ઘણું લોકપ્રિય બન્યું છે. મોટાભાગના લોકો હવે આ ગીત ગાવા ઈચ્છે છે. જો કે, હેક્વિંગના આ ટ્વીટ બાદથી પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો હતો. કારણ કે, ટ્વીટને લોકોએ ધર્મ સાથે જોડી દીધું હતુ.
ચીની ડિપ્લોમેટસની આ ટ્વીટ વાયરલ થતાં સોશિયલ મીડિયામાં વિરોધના સુર ઉઠયા હતા. કેટલાક લોકોએ આ ઘટનાને ઇસ્લામ તથા હિજાબ પર પ્રહાર ગણાવીને પ્રધાનમંત્રી ઇમરાન ખાનને ટેગ કરીને ચીની ડિપ્લોમેટસની વિરૂદ્ધ એકશન લેવા માંગણી કરી હતી. તો કેટલાંકે તો આ ટ્વીટથી પાકિસ્તાન અને ચીન વચ્ચેના સંબંધો બગડી જશે તેવી દહેશત પણ વ્યક્ત કરી હતી. બીજી તરફ પાકિસ્તાની ધાર્મિક નેતાઓ પણ આ બાબતથી નારાજ થઈ ગયા હતા. તેઓએ વિદેશ મંત્રાલયને ફરિયાદ કરીને આ ટ્વીટને ઇસ્લામ પરનો હુમલો ગણાવ્યો હતો. આ સાથે જ ધાર્મિક નેતાઓએ હેક્વિંગ વિરૂદ્ધ કાર્યવાહી કરવા માંગણી કરી હતી. સોશિયલ મીડિયા પર હેક્વિંગનો વિરોધ વધતા જ હેક્વિંગે કોઈ દલીલ કરી ન હતી. અને તરત જ પોતાની બંને ટ્વીટસને ડિલીટ કરી વિવાદ થાળે પાડવા પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ચીનમાં ઉઇગર મુસ્લિમો પર સતત અત્યાચાર કરાઈ રહ્યો છે. શિનજિયાંગ પ્રાંતમાં મુસ્લિમોની મસ્જિદોને તોડીને ત્યાં ટોયલેટ બનાવાય રહ્યા છે. જ્યારે કેટલાકને જબરદસ્તી નસબંધી કરી દેવાય છે.