ગુજરાત રાજ્યના મહેસુલ મંત્રી આજે અચાનક વલસાડ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. રાજેન્દ્ર ત્રિવેદી સામાન્ય નાગરિકની જેમ વલસાડની રજિસ્ટર ઓફિસમાં પહોંચતા અધિકારીઓ ભાગદોડ મચી જવા પામી હતી. મહેસુલ મંત્રીનો આવો અનોખો અંદાજ જોઈ ઓફિસમાં હાજર તમામ લોકો ચોકી ઉઠ્યા હતા. મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અચાનક રીક્ષામાં બેસીને મામલતદાર કચેરીમાં પહોંચતા કલેક્ટર સહિતના અધિકારીઓ દોડતા થઇ ગયા હતા. એટલું જ નહીં તો રાજેન્દ્ર ત્રિવેદીએ રીક્ષામાંથી ઉતરીને જાતે જ રીક્ષાનું ભાડુ પણ ચૂકવી દીધું હતું. રાજેન્દ્ર ત્રિદેવીની અચાનક મુલાકાતને પગલે વલસાડના સરકારી કચેરીઓમાં ભાગદોડ જોવા મળી હતી.
રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવદી અચાનક સામાન્ય માણસની જેમ રીક્ષામાં બેસીને વલસાડની મામલતદાર કચેરીએ પહોંચ્યા ત્યાં હાજર સામાન્ય લોકોમાં પણ કુતુહુલતા જોવા મળી હતી. કચેરીના રજિસ્ટર ઓફિસની આકસ્મિક વિઝીટ કરી હતી. રજિસ્ટર ઓફિસમાં કામ દરમિયાન વહીવટ કઈ રીતે ચાલે છે તેનું પણ આકસ્મિત ચેકિંગ હાથ ધર્યુ હતું.
રજિસ્ટર ઓફિસમાં આવેલા અરજદારોને મહેસુલ મંત્રીએ કામની બાબતે કેટલાક સવાલો કર્યા હતા. ત્રિવેદીએ પૂછ્યું કે, ઓફિસમાં કોઈ પૈસા માંગે છે તો જણાવો જોકે, ત્યાં હાજર કોઇ વ્યક્તિએ આ બાબતે તકરાર કરી ન હતી. મહેસુલ મંત્રીની આકસ્મિક વિઝીટને લઈ અધિકારીઓમાં ચિંતા સ્પષ્ટ જોવા મળી રહી હતી. કલેક્ટર સહિતના અધિકારીઓ દોડીને રજિસ્ટર ઓફિસ પહોંચી ગયા હતા.
મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે કલેક્ટર કચેરીએ મહેસુલી મેળા માટે વલસાડ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. જો કે રજિસ્ટર ઓફિસ આવવાનો તેમનો કોઇ કાર્યક્રમ ન હતો. જો કે અધિકારીઓમાં પહેલેથી જ એ વાતને લઇને ગણગણાટ હતો કે રાજેન્દ્ર ત્રિવેદી અચાનક આવી શકે છે. કારણ કે આ પહેલા પણ મહેસુલ મંત્રીએ રજિસ્ટર ઓફિસમાં અચાનક દરોડા માર્યા હતા.