રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલા મ્યુકોરમાઈકોસીસના દર્દીઓના વોર્ડમાં ચાર દિવસ પહેલાં દર્દીઓને ઈન્જેકશનનું રિએક્શન થતાં દોડધામ મચી ગઈ હતી. લગભાગ ૪૫ દર્દીઓને તાવ, ઉલ્ટી થવાથી તબીબોએ ઈન્જેકશનનો ઉપયોગ હાલ પુરતો સ્થગિત કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, તબીબોના આ નિર્ણયથી ફરી હોબાળો મચી ગયો હતો. મળતી વિગતો મુજબ રાજકોટ ખાતે આવેલી સમરસ હોસ્પિટલમાં મ્યુકોર માઈકોસીસની સારવાર માટે અનેક દર્દીઓ દાખલ કરાયા છે. જેમાંથી કેટલાક દર્દીઓને ગત રોજ સાંજે ઈન્જેકશનનું રિએકશન આવતા તાવ અને ઉલ્ટીની સમસ્યા સર્જાઈ હતી. જેથી તબીબોએ તરત જ ઈન્જેકશનનો વપરાશ બંધ કર્યો હતો.
આ સાથે જ અન્ય દર્દીઓના પરિવારજનોએ દવા-ઈન્જેકશન નહી હોવાની ફરીયાદ સાથે હોબાળો મચાવ્યો હતો. આ બાબતે ડે.કલેકટર ચરણસિંહ ગોહિલે તપાસ કર્યા બાદ જણાવ્યું હતું કે દવા અને ઈન્જેકશનનો સ્ટોક પુરતા પ્રમાણમાં છે. થોડા દિવસો પહેલા દર્દીઓને રિએક્શન આવતા અનિવાર્ય સંજોગોમાંજ તેનો ઉપયોગ કરવા નિર્ણય કરાયો હતો. હવે તબીબોની સલાહ મુજબ જ ઈન્જેકશન આપવામાં આવે છે. તબીબોની સલાહ છે કે જે દર્દીને એમ્ફોટેરેસીન-બી આપવામાં આવે તે પછી થોડા દિવસો સુધી તેને ઈન્જેકશન આપવુ નહીં. કારણ કે કેટલાક દર્દીઓમાં રિએકશન આવી રહ્યું છે. પરતું આમ છતાં કેટલાક દર્દીઓના સગાઓએ ખોટી વાત ફેલાવીને હોબાળો મચાવ્યો હતો.
જો કે, ફરિયાદો વિશે હજી પણ તપાસ ચાલી રહી ચે. સિવીલ સુપ્રિટેન્ડેન્ટ દ્રારા આ રિએક્શનની બાબતે ફાર્મેકો વિજીલન્સને તપાસ સોંપી છે. સિવીલના મ્યુકર વોર્ડમાં આજે દર્દીઓને એમ્ફોટેરેસીન-બી ઈન્જેકશન ન મળતા ભારે હોબાળો મચી ગયો હતો. સિવીલ સર્જન ડો. આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે મ્યુકરના દર્દીઓમાંથી ૪૫ને ઈન્જેકશનથી રિએક્શન આવતા આ અંગે ફાર્મેકો વિજીલન્સને તપાસ સોંપાઈ છે.