ભારતમાં એક સમયે ઘરમાં બિસ્કીટ બનાવતી મહિલાએ હાંસલ કરેલી સિદ્ધી ઉડીને આંખે વળગે તેવી છે. તમને જાણીને આશ્ચર્ય થશે પણ આ મહિલા આજે 550 કરોડની માલિક બની ગઈ છે. ભારતમાં મોટા ઉદ્યોગો સાથે લઘુ ઉદ્યોગોનું પણ ખાસ મહત્વ રહેલું છે. દેશના આર્થિક વિકાસમાં લઘુઉદ્યોગોનો ફાળો પહેલાથી જ નોંધપાત્ર રહ્યો છે. આવા ઉદ્યોગોએ કેટલાક લોકોને આર્થિક સદ્ધરતા અપાવી છે. આવો જ એક કિસ્સો શ્રીમતી રજની બેકટર્સનો છે. દેશના લઘુઉદ્યોગના સાહસસિકો માટે આ મહિલા આજે પ્રેરણાદાયક બની છે. ઘરે જ ધંધો શરૂ કરનારી આ મહિલા આજે 550 કરોડના IPO શરૂ કરનારી કંપનીની માલિક છે. સરકારે પ્રજાસત્તાક દિન નિમિત્તે રજની બેકટર્સને પદ્મશ્રી આપવાની ઘોષણા કરી હતી.
તેમની કંપની ‘મિસેઝ બેકટર્સ’ અને ‘ક્રીમિકા’ ગ્રુપની પ્રોડક્ટ બિસ્કિટ, બ્રેડ અને આઈસ્ક્રીમમાં લોકપ્રિય છે. તેના ક્રીમિકા ગ્રુપના ઉત્પાદનો આફ્રિકા, અમેરિકા, બ્રિટન, મધ્ય-પૂર્વ સહિત લગભગ 50 દેશોમાં નિકાસ કરવામાં આવે છે. તેનો ધંધો લગભગ 700 કરોડનો થઈ ગયો છે. જયારે ક્રીમિકા એક વર્ષમાં લગભગ 1.34 લાખ ટન બિસ્કીટ અને કૂકીઝ બનાવે છે. રજની બેક્ટરનો જન્મ 1940માં અવિભાજિત ભારતના કરાચી શહેરમાં થયો હતો, પરંતુ પાછળથી તેણે લાહોરમાં શિક્ષણ લીધું હતું. ભાગલા સમયે તેણીએ પરિવાર સાથે પાકિસ્તાનથી ભારત આવવાનું પસંદ કર્યું હતુ. તેનો પરિવાર દિલ્હી સ્થાયી થયા બાદ રજનીએ દિલ્હીમાં સ્નાતકની ડીગ્રી મેળવી હતી. જે બાદ તેના લગ્ન લુધિયાણા સ્થિત ઉદ્યોગપતિ સાથે થયા હતા. 1978માં તેણે પોતાના ઘરે બિસ્કિટ બનાવવાનું શરૂ કર્યું અને પછીથી આઇસક્રીમનો વ્યવસાય પણ શરૂ કર્યો હતો. લગ્નના વર્ષો પછી 1978માં તેણે પોતાનો શોખ વ્યવસાયમાં બદલ્યો હતો. 1947માં દેશના ભાગલા થયા બાદ તેણી 1948માં ભારત આવી હતી. બેકરીમાં રસ હોવાથી તેણે બિસ્કીટનો ધંધો શરૂ કર્યો હતો. ધંધામાં તેણે પ્રતિવર્ષ પ્રગતિ સાંધી અને તેમની કંપનીને રૂા. 550 કરોડના આઈપીઓ સુધી લઈ જવામાં સફળતા મેળવી હતી.