દેશમા વધી રહેલા કોરોનાના કેસને કારણે બોલીવુડ તથા ફિલ્મ ઉદ્યોગને ફરી મુશ્કેલીમા મુકાવવું પડે તેવા સંજોગો ઉભા થયા છે. ભારતમાં દરરોજ 35થી 45 હજાર વચ્ચે કોરોનાના કેસ આવી રહ્યા છે. તેને કારણે થિયેટર, જિમ વગેરે પર ફરી પ્રતિબંધો લાદી દેવાયા છે. મોટાભાગના રાજ્યોમાં શાળા કોલેજો પણ બંધ થઈ ગઈ છે. આવા સમયે ફિલ્મ ઉદ્યોગને હજી લાંબા સમય સુધી નુકસાન વેઠવુ પડે તેવી શકયતા છે. રાણા દગ્ગુબાતી, પલ્લવી જોષી તથા શ્રેયા પિલગાંવકર સ્ટારર ફિલ્મ ‘હાથી મેરે સાથી’ 26 માર્ચે થિયેટરમાં રિલીઝ થવાની હતી. જોકે, કોરોનાના કેસ વધી રહ્યા છે. તેથી હવે આ ફિલ્મ હિંદી માર્કેટમાં રિલીઝ નહીં થાય.
જોકે, સાઉથમાં તમિળ તથા તેલુગુ વર્ઝન 26 માર્ચે જ રિલીઝ કરવાના નિર્ણયમાં હજી કોઈ ફેરફાર કરાયો નથી. એટલે કે તે વર્ઝન નિર્ધારિત તારીખે રિલીઝ થઈ જશે.
ભારતમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશ તથા ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસથી કોરોનાના કેસનો રાફડો ફાટી રહ્યો છે. આથી જ આ સમયે ફિલ્મને રીલીઝ કરવાથી ઝાઝો ફાયદો થાય તેમ નથી તેમ પ્રોડ્યૂસર માને છે. વળી કોરોનાના કેસ જે રાજ્યોમાં વધુ છે ત્યાં ઘણાં શહેરોમાં નાઈટ કર્ફ્યૂ તથા શનિ-રવિ મલ્ટીપ્લેક્સ બંધ કરી દેવામાં આવ્યા છે. જો આ સમયે ‘હાથી મેરે સાથી’ ઉપરાંત પંજાબી ફિલ્મ પણ રિલીઝ કરાય તો ઉદ્યોગને કે ફિલ્મને ખાસ પ્રતિસાદ મળશે નહીં.
આ અંગે ઈરોઝ ઈન્ટરનેશનલના સ્પોકપર્સને કહ્યું હતું કે, બહુ જ દુઃખ સાથે આ સમાચાર તમારી સાથે શૅર કરુ છે કે, કોવિડ 19ને કારણે હિંદી માર્કેટમાં ‘હાથી મેરે સાથી’ ફિલ્મ રિલીઝ કરાશે નહીં. ‘હાથી મેરે સાથી’ ફિલ્મમાં રાણા દગ્ગુબાતી જંગલ તથા પ્રાણીઓ માટે લડતો દર્શાવવામાં આવ્યો છે. આ ફિલ્મમાં ઍન્વાયરમૅન્ટ ક્રાઈસિસની ખરાબ અસરો વિશ્વ પર કેવી થાય છે તેની છણાવટ પણ કરાઈ છે. ફિલ્મનું દીર્ગદર્શન પ્રભુ સોલોમોને કર્યું છે. જયારે સુનીલ લુલ્લા, ઈન્દર સિંહ બારૈયાએ ફિલ્મને પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મના હિંદી વર્ઝન રિલીઝ થવા અંગે હવે નવી તારીખ નક્કી કરાયા બાદ તમને જાણ કરાશે. જોકે, તેલુગુ વર્ઝન ‘અરન્યા’ તથા તમિળ વર્ઝન ‘કાદાન’ નક્કી કરેલી તારીખ એટલે કે 26 માર્ચે જ રિલીઝ થશે.’