ભારતમાં કોરોનાને કારણે અનેક ઘટના સાથે કરુણાંતિકા પણ સર્જાઈ રહી છે. દવા ઈન્જેકશનના કાળાબજારના ફરિયાદો હજી ઓછી થઈ નથી ત્યાં હવે અંતિમ સંસ્કાર માટે પણ મૃતકના સ્વજનોએ દર દર ભટકવું પડી રહ્યું છે. હાલમાં યુપીના ગાઝિયાબાદમાં એક વ્યક્તિએ પોતાની પત્નીના અંતિમ સંસ્કાર કરાવવા માટે ૨૫૭૦૦ રૂપિયાનો ખર્ચ કરવો પડયો હતો. ગાઝિયાબાદના શાસ્ત્રી નગર પાસે આવેલા સ્મશાન ઘાટ પર મૃતકોના અંતિમ સંસ્કાર થાય છે. ૩ દિવસ પહેલા ગાઝિયાબાદના વૈશાલી નિવાસી રાજીવ કુમાર શ્રીવાસ્તવના ૪૧ વર્ષના પત્ની રીતિ ગત તા. ૨૭ એપ્રિલના રોજ કોરોનામાં સપડાઈ હતી. ત્યારબાદ તેની તિબયત કથળવા લાગી હતી. ઓક્સિજનની કમીને કારણે હોસ્પિટલમાં ભરતી કરાવવા માટે રાજીવ પોતાની પત્નીને લઈને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં પહોંચ્યો હતો. પરંતુ જગ્યા ખાલી ન હોવાથી પછી તે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
ત્યાં પણ ડૉક્ટરોએ બેડ નથી તેવું કહીને એડમિડ કરવાની ના પાડી દીધી હતી. જેના પછી રાજીવે ગાઝિયાબાદના ઈંદિરાપુરમ ગુરુદ્વારામાં ચાલી રહેલા ઓક્સિજન લંગરમાં પહોંચ્યા હતા અને ત્યાં તેમની પત્નીને ઓક્સિજન પર રાખી હતી.આમ છતાં રિયાની તબિયત વધુ કથળી હતી. આથી લોકોએ તેમને હોસ્પિટલ લઈ જવાની સલાહ આપી હતી. આખરે રાજીવકુમાર તેની પત્ની રિયાને લઈને વૈશાલી સ્થિત મેક્સ હોસ્પિટલ પહોંચ્યા તો ત્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ઈલાજના અભાવે થયેલા પત્નીના મૃત્યુ પછી પણ રાજીવનો સંઘર્ષ ખતમ થયો ન હતો. તેણે પત્નીના અંતિમ સંસ્કાર કરવા માટે હિંડન સ્મશાન ઘાટ પહોંચ્યો હતો, જ્યાં જગ્યા મળી ન હતી. તેના પછી ઈંદિરાપુરમ સ્થિત સ્મશાન ઘાટ પર પહોંચ્યા તો ત્યાં પણ વેઈટીંગ ચાલતુ હતુ. આખરે રાજીવે સોશિયલ મીડિયા પર લોકોની મદદ માંગી તો લોકોએ નગર નિગમ દ્વારા સંચાલિત શાસ્ત્રી નગરમાં આવેલા સ્મશાન ઘાટ પર જવા સલાહ મળી હતી.
રાજીવ જ્યારે પત્નીના મૃતદેહને પોતાની કારમાં લઈને પોતાના છોકરા સાથે ત્યાં પહોંચ્યા તો, તેમને ચાર છોકરા મળ્યા, તેમણે અંતિમ સંસ્કાર કરાવવા માટે પહેલા ૧૫૦૦૦ માંગ્યા હતા. જો કે, મૃતક મહિલા કોરોનાથી સંક્રમિત હતી તે જાણતા જ આ કિંમત વધીને ૨૧૦૦૦ થઈ ગઈ હતી. નસીબથી માર ખાઈ ચુકેલા રાજીવે તેટલા પૈસા આપી પણ દીધા હતા. વળી, મહિલાની લાશ જયારે લાકડા પર મુકાઈ ત્યારે ત્યાં હાજર પેલા ચાર છોકરાઓએ બીજા ૫૦૦૦ રૂપિયાની માંગણી કરી હતી. આથી રાજીવે તે છોકરાને આટલા રૂપિયા આપ્યા છે તેમ કહ્યું હતુ. આ સમયે છોકરાઓએ અંતિમ સંસ્કાર કરવાની ના પાડી દીધી હતી. આખરે પરિસ્થિતિથી લાચાર રાજીવ શ્રીવાસ્તવ પાસે બીજો કોઈ વિકલ્પ ન બચતા તેણે વધુ ૪૦૦૦ રૂપિયા આપીને પોતાની પત્નીના અંતિમ સંસ્કાર કરાવ્યા હતા. ભારતમાં કપરા કાળમાં અંતિમસંસ્કાર માટે પણ નાગરિકોએ કેટલી હદે હાલાકી વેઠવી પડે છે તેનો ચિતાર આ ઘટના આપી રહી છે.