નવા વર્ષ 2023 માં તમારી EMI વધુ મોંઘી થવા જઈ રહી છે. RBIએ ફરી રેપો રેટ વધારવાનો નિર્ણય લીધો છે. આરબીઆઈએ મોનેટરી પોલિસી કમિટીની બેઠકના છેલ્લા દિવસે રેપો રેટમાં 0.35 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. અગાઉ આરબીઆઈએ ચાર મોનેટરી પોલિસી બેઠકોમાં રેપો રેટમાં 1.90 ટકાનો વધારો કર્યો છે. એટલે કે 8 મહિનામાં RBIએ રેપો રેટ 4 ટકાથી વધારીને 6.25 ટકા કર્યો છે.
આરબીઆઈના આ નિર્ણય બાદ સરકારથી લઈને ખાનગી બેંકો અને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ હોમ લોનના વ્યાજદરમાં વધારો કરશે, જેને લીધે તમારી EMI મોંઘી થઈ જશે. હાલની હોમ લોનના વ્યાજ દરોમાં 0.35 ટકાનો વધારો થશે કારણ કે રેપો રેટ સાથે જોડાયેલી હોમ લોન પર વ્યાજદર વધશે.
ધારો કે તમારે દેશની સૌથી મોટી બેંક SBI પાસેથી 25 લાખ રૂપિયાની હોમ લોન માટે 20 વર્ષ માટે 8.40 ટકાના વર્તમાન વ્યાજ દરે 21,538 રૂપિયાની EMI ચૂકવવી પડી રહી હતી. પરંતુ રેપો રેટમાં 35 બેસિસ પોઈન્ટના વધારા બાદ વ્યાજ દર વધીને 8.75 ટકા થઈ જશે, જેના પર EMI 22,093 રૂપિયા ચૂકવવાની રહેશે. એટલે કે તમારી EMI 555 રૂપિયા મોંઘી થશે અને તમારે આખા વર્ષમાં 6,660 રૂપિયા વધુ EMI ચૂકવવા પડશે.
જો તમે 20 વર્ષ માટે 40 લાખ રૂપિયાની હોમ લોન લીધી છે, જેના પર તમે હાલમાં 8.40 ટકાના દરે વ્યાજ ચૂકવી રહ્યા છો, જેના પર તમારે હાલમાં 34,460 રૂપિયાની EMI ચૂકવવી પડશે. પરંતુ રેપો રેટ વધાર્યા બાદ હવે તમારે 8.75 ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે, જેના પર 35,348 રૂપિયાની EMI ચૂકવવી પડશે. એટલે કે દર મહિને 88 રૂપિયા વધુ અને એક વર્ષમાં તમારા ખિસ્સા પર 10,656 રૂપિયાનો બોજ વધશે.