મોદી સરકાર પહેલાથી જ વિવિધ સેકટર અને વિભાગોના ખાનગીકરણની તરફેણમાં રહી છે. ગત વર્ષે જ નાણામંત્રીએ ભારતીય જીવન વિમા નિગમનો 10થી 15 ટકા ભાગીદારી વેંચવાની જાહેરાત કરી હતી. હવે નાણામંત્રી આગામી બજેટમાં તે વિશે વિધિવત જાહેરાત પણ કરી શકે છે. આ ઉપરાંત IDBI બેન્કની ભાગીદારી વેંચવા માટે તૈયારી થઈ રહી છે તેવી હિલચાલ ચાલી રહી છે. સુત્રો પાસેથી મળતી વિગતો એવી છે કે, સરકારે તેની તિજોરી ભરવા માટે તમામ પ્રયાસો શરૃ કરી દીધા છે. જેમાં હવે એલઆઈસી તથા કેટલીક બેંકોમાં ભાગીદારી કરવા જાહેરાત કરી શકાય છે. સરકાર ખાનગીકરણને આગળ વધારવાના ભાગ રૂપે આ જાહેરાત થઈ શકે છે. રાજસ્વ વધારવા માટે પ્રથમ રસ્તો ડિસઇન્વેસ્ટમેન્ટ જ છે તેમ સરકાર માને છે.
એલઆઈસીના ખાનગીકરણ માટે સરકારે એલઆઈસી એક્ટમાં ફેરફાર કરવો પડશે અને તેના માટે સંસદની મંજૂરી લેવી પડશે. સરકારે ગયા વર્ષેથી જ એલઆઈસીના સઇન્વેસ્ટમેન્ટની તૈયારી શરૃ કરી હતી. પરંતુ કેટલીક કાયદાકીય અને વહિવટી અડચણના કારણે આમ થઈ શક્યું નથી. 1લી ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં IDBI બેન્ક, સેંટ્રલ બેન્ક, પંજાબ અને સિંઘ બેન્ક તથા એલઆઈસીમાં ખાનગી ભાગીદારીનો કાર્યક્રમ સરકાર જાહેર કરશે. ગત વર્ષે કોરોનાનું સંકટ આવી પડતા એર ઈન્ડિયા અને ભારત પેટ્રોલિયમ જેવી દિગ્ગજ કંપનીનું ખાનગીકરણ કરવાની સરકારની ઈચ્છા પુરી થઈ ન હતી. તેથી સરકાર હવે 2021-22માં ખાનગીકરણની ઝુંબેશને વેગ આપવા વિચારણા કરી રહી છે. 2021-22માં દેશને આર્થિક નુકસાનની આશંકા હોવાથી સરકારી ખજાના પર તેની મોટી અસર ન વર્તાય તે માટે સરકાર આયોજન કરવા માંડી છે.