ટેલિકોમ કોમ્યુનિકેશનના ક્ષેત્રમાં ભારતમાં નોંધપાત્ર હરણફાળ ભરનાર જીયો કંપનીએ આજે પાંચ-સાત વર્ષમાં જ તેની હરિફ કંપનીઓને પછડાટ આપી છે. જો કે, રિલાયન્સ હંમશા નવા નવા સેકટરમાં પગરણ માંડતી હોય છે. હવે રિલાયન્સ જીયો ટેકનોલોજીના ક્ષેત્રમાં વધુ એક સિદ્ધિ મેળવવા જઈ રહ્યું છે. કંપની દ્વારા મોબાઈલની જેમ હવે લેપટોપને પણ ઓછી કિંમતમાં બજારમાં મુકવાની તૈયારી કરવામાં આવી રહી છે. રિલાયન્સ જીયો કંપનીના સુત્રોના જણાવ્યા પ્રમાણે રિલાયન્સ જીયો ઓછી કિંમતનું લેપટોપ ગ્રાહકને આપવાનો ઉદ્દેશ્ય રાખી રહી છે. ભારતમાં મોટાભાગની ચીજવસ્તુઓનો ઉપભોગતાનો મોટોવર્ગ મધ્યમવર્ગીય લોકો જ છે. તેથી આવા લોકોને પોષાય તેવી કિંમતે લેપટોપ મળે તે માટે રિલાયન્સ જીયો ઘણાં સમયથી વિચારાધીન હતી. જયારે છેલ્લાં બે વર્ષથી કંપનીએ તે દીશામાં કામગીરી પણ શરૃ કરી દીધી હતી. હાલ લેપટોપની કિંમત અને લોન્ચીંગ કયારે થશે તે વિશે કંપનીએ ફોડ પાડ્યો નથી. પરંતુ એટલું ચોક્કસ જ છે કે, ઓછા ખર્ચમાં લેપટોપ ખરીદવાની ઇચ્છા ધરાવતા દેશના લાખો લોકોનું લેપટોપ ખરીદવાનું સાકાર થઈ શકે છે. રિલાયન્સ જીયોનું લેપટોપ ગૂગલની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. જેમાં એન્ડ્રોઇડનું ફોર્ક્ડ વર્ઝન હશે. જેને જીયો JioOS કહેવાશે.
નવા લેપટોપમાં 1366 × 768 રિઝોલ્યુશન હોઈ શકે છે. ઉપરાંત, JioStore, JioMeet અને JioPages જેવી એપ્લિકેશન્સની સંભાવના છે. તેમાં માઇક્રોસોફ્ટ ટીમ્સ, ઓફિસ અને માઇક્રોસોફ્ટ એજ જેવી એપ્લિકેશન્સ પણ જોવા મળે તેવી સંભાવના છે. લેપટોપમાં વીડિયો આઉટપુટ માટે મિનિ HDMI કનેક્ટર હોવાની સંભાવના છે. ત્યાં વાઇફાઇ સપોર્ટ, બ્લૂટૂથ, ત્રણ-અક્ષીય એક્સેલરોમીટર અને ક્વાલકોમ ઓડિયો ચિપ હોઈ શકે છે. જીયોના પ્રોટો ટાઇપ લેપટોપ હાલ ક્વાલકોમના સ્નેપડ્રેગન 665 (સ્મી 6125) 11 એનએમ પ્રોસેસરનો ઉપયોગ થઈ રહ્યો છે. ક્વાલકોમ 665 પ્રોસેસરમાં બિલ્ટ-ઇન 4 જી એલટીઇ મોડેમ-સ્નેપડ્રેગન એક્સ 12 છે. આ રિલાયન્સ 4 જી નેટવર્કથી જિયોબુકને સેલ્યુલર કનેક્ટિવિટી આપે તેવી ટેકનોલોજી વિકસાવાય રહી છે. મોબાઇલના ઉપકરણો બનાવતી ચાઇનાની બ્લુબેંક કમ્યુનિકેશન કંપની ટેકનોલોજીના ઉત્પાદન માટે સહભાગી થશે તેવી જાણકારી મળી છે. બ્લૂબેન્કે જિયોબુકના કેટલાક મોડેલોનું પરીક્ષણ કર્યું છે. જેમાં 2 જીબી એલપીડીડીઆર 4 એક્સ રેમ સાથે 32 જીબી ઇએમએમસી સ્ટોરેજ અને 4 જીબી એલપીડીડીઆર 4 એક્સ રેમ અને 64 જીબી ઇએમએમસી 5.1 સ્ટોરેજવાળા મોડેલ શામેલ છે. આ કંપની હાલ અન્ય કંપનીઓ માટે સોફ્ટવેર વિકસાવવાનું કામ કરે છે.