દુનિયાના 30થી વધુ સિવિલ સોસાયટી સંગઠનોએ ગુરુવારે ભારત સરકાર વિરુદ્ધ એક સંયુક્ત પ્રસ્તાવ પસાર કરતા મોદી સરકાર ફરી વિવાદમાં સપડાઈ છે. જોકે, ભારતે આ પ્રસ્તાવ વિરુદ્ધ વાંધો લઈને તરત જ દેશમાં સુપ્રિમ કોર્ટ, માનવાધિકાર અને સ્વતંત્ર મીડિયાનો હવાલો આપીને દેશની સ્થિતિ પર આ તમામ નજર રાખતા હોવાનો દાવો કર્યો હતો. ભારતમાં છેલ્લાં કેટલાક સમયથી મોદી સરકાર કોઈને કોઈ મુદ્દે વિવાદમાં સપડાઈ રહી છે. દેશની આંતરિક બાબતોને લઈને હવે વિશ્વમાં પણ તેની બદનામી થઈ રહી છે. ગત ગુરુવારે અમેરિકામાં દુનિયાના 30થી વધુ સંગઠનોએ રજૂ કરેલા એક પ્રસ્તાવમાં સરકારની નીતિ સામે સવાલો ઉઠાવાયા હતા. પ્રસ્તાવમાં આ સંગઠનોએ લખ્યું હતુ કે, ભારતમાં બિનહિંદુઓ સાથે સરકાર ભેદભાવ રાખીને તેના પર અત્યાચાર ગુજારી રહી છે. તેથી ધાર્મિક મામલામાં ભારતને હવે કંટ્રી ઓફ પર્ટિક્યુલર કન્સર્ન -સીપીસી (વિશેષ ચિંતા ધરાવતા દેશો) કેટેગરીમાં મૂકવું જોઈએ. પ્રસ્તાવમાં એમ પણ નોંધવામાં આવ્યું છે કે, ભારતમાં લઘુમતીઓ સાથે ધાર્મિક ભેદભાવની ઘટના વધી છે. સરકાર જ નહીં પરંતુ સ્થાનિક આદાનપ્રદાનમાં તેઓનું ખુલ્લેઆમ ઉત્પીડન થઈ રહ્યું છે. આથી ભારત સરકારને આવી ઘટના રોકવા તાકીદે પગલા ભરવા આવશ્યક બન્યા છે.
અમેરિકામાં સત્તારૂઢ ડેમોક્રેટિક પાર્ટીના ત્રણ સાંસદે પણ ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. આ સાંસદોએ પણ 30 સંગઠનોના પ્રસ્તાવના સમર્થનમાં કહ્યું હતુ કે, ભારત સરકાર સામાજિક અને રાજકીય કાર્યકરોને નિશાન બનાવી અભિવ્યક્તિની આઝાદી છીનવી રહી છે. ઈન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ દ્વારા આયોજિત ‘ભારત મેં ધાર્મિક સ્વતંત્રતા: ચુનૌતિયા ઔર અવસર’ વિષય પર સામૂહિક ચર્ચામાં ડેમોક્રેટિક પાર્ટીના સાંસદ એડ માર્કે કહ્યું કે, હું ભારતના 20 કરોડ મુસ્લિમો સહિત લઘુમતીઓના અધિકારોની સુરક્ષા માટે ભારત સરકારની પ્રતિબદ્ધતા મુદ્દે ભારે ચિંતિત છું. બીજી તરફ, સાંસદ મેરી ન્યૂમેને કહ્યું હતુ કે, છેલ્લા સાત વર્ષમાં ભારતમાં સેંકડો મુસ્લિમો પર હુમલા થયા છે. આ ઘટનાઓ ચિંતાજનક છે. જોકે, અમેરિકામાં થયેલી આ ગતિવિધિઓ સામે ભારતે તરત જ જવાબ આપ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, ભારતમાં મીડિયા હાઉસ સ્વતંત્ર છે. ભારતની લોકતાંત્રિક, બંધારણીય વ્યવસ્થામાં સિવિલ સોસાયટી અને સ્વતંત્ર ન્યાયપાલિકા પણ છે. અનેક રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના માનવાધિકાર આયોગ છે, જે ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘનો ઉપર દેખરેખ રાખે છે. આ ઉપરાંત મીડિયામાં કોઈપણ ઘટનાની પ્રસિદ્ધિ કે પ્રસારણ પર રોક લગાવાઈ નથી. કહેવાય છે કે, આ પ્રસ્તાવ અમેરિકામાં પહેલીવાર થયેલી આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા સમિટ દરમિયાન રજૂ થયો હતો. તેમાં સામેલ વિવિધ ધર્મના નેતાઓએ ભારત સરકારની ટીકા કરવા સાથે બાઈડેન એડમિનિસ્ટ્રેશનને વખોડ્યું હતુ. સાથે જ તેઓએ માંગ કરી હતી કે, બાઈડન સરકાર ભારત વિરુદ્ધ તાકીદે પગલા ભરે.