આણંદ જિલ્લામાં શુક્રવારે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ચુંટણીલક્ષી મુલાકાત લીધી હતી. આ જ સમયે ડેમોલમાં કોરોનાના કેસનો રાફડો ફાટી નીકળ્યો હોય, સ્વૈચ્છિક લોકડાઉન શરૃ થઈ ગયું હતુ. ડેમોલમાં 3 દિવસમાં 20 નાગરિકો કોરોનાથી સંક્રમીત હોવાની પૃષ્ટિ થતાં આરોગ્ય ખાતામાં દોડધામ મચી ગઈ છે. આ સાથે જ જિલ્લાના લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. આબુ અંબાજીની ધાર્મિક યાત્રા બાદ જ ડેમોલમાં પરિસ્થિતિ વણસી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતુ. આ ગામના 75 ટકા પરિવારમાંથી કોઈને કોઈ વ્યક્તિ વિદેશમાં સ્થાયી થયેલું છે. આણંદ જિલ્લામાં અનલોકના વિવિધ તબક્કા બાદ લોકો હવે હરવા ફરવાના મુડમાં આવ્યા હતા. દરમિયાન પેટલાદનું ડેમોલ ગામ 3000ની વસ્તી ધરાવે છે જ્યાંથી મહિલા મંડળ 10 દિવસ પહેલાં ધાર્મિક યાત્રાએ નીકળ્યું હતુ. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહે એક મંડળ યાત્રા કરી પરત ફર્યા બાદ બીજા સપ્તાહે ગામના યુવાનો પણ ધાર્મિક યાત્રાએ ગયા હતા.
તે બાદ ગામમાં તાવ, શરદી અને ઉધરસના કેસ વધી ગયા હતા. જેને કારણે કેટલાક નાગરિકોએ આ બાબતે કોરોના ટેસ્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યા હતા. આ સાથે જ ગામમાં ખળભળાટ મચી ગયો હતો. શુક્રવારે સાંજથી ગામમાં સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરાયું હતુ. બીજી તરફ લોકોને આરોગ્ય સેવા આપવામાં આનાકાની અને ઉદાસીનતા દાખવાઈ હતી. આરોગ્ય ટીમ દ્વારા કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું ન હોવાનો આક્ષેપ ગામજનોએ કર્યો હતો. જો કે, ગામજનોના રોષને પારખી ગયેલા આરોગ્ય ખાતાએ તેની ટીમ તાબડતોબ ડેમોલ ગામે રવાના કરી હતી. તલાટીના જણાવ્યા મુજબ આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 8 ટીમો કામે લગાડાઈ છે. 1 ટીમ ટેસ્ટિંગ કરે છે જ્યારે બીજી 7 ટીમો સર્વેલન્સની કામગીરીમાં જોતરાઈ ગઈ છે.