ગુજરાતના આણંદ જિલ્લામાં ધાર્મિક શોભાયાત્રા દરમિયાન મોટેથી સંગીત વગાડવાના મુદ્દે થયેલા વિવાદને પગલે બે સમુદાયના સભ્યો વચ્ચે થયેલા પથ્થરમારામાં પાંચ લોકો ઘાયલ થયા હતા. બુધવારે આ અંગે માહિતી આપતા પોલીસે કહ્યું કે તેણે બંને સમુદાયના લગભગ 100 લોકો વિરુદ્ધ આઈપીસીની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે, જોકે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. પેટલાદ ગ્રામ્ય પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના મંગળવારે રાત્રે પેટલાદ શહેર નજીક બોરિયા ગામમાં બની હતી.
એફઆઈઆર મુજબ, માતાજીની શોભાયાત્રા દરમિયાન મોટા અવાજે સંગીત વગાડવાને લઈને બે સમુદાયો વચ્ચે વિવાદ થયો હતો. ઝઘડો ત્યારે થયો જ્યારે જુલુસ એક મસ્જિદ નજીકથી પસાર થઈ રહ્યું હતું. એફઆઈઆરને ટાંકતા પોલીસ અધિકારીએ કહ્યું, “માહિતી મળતાં જ પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તણાવ ઓછો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તરત જ લોકોએ એકબીજા પર પથ્થરમારો શરૂ કરી દીધો, જેમાં 4 થી 5 લોકો ઘાયલ થયા.”
પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો
પોલીસે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 143 (ગેરકાયદેસર સભા), 147 (હુલ્લડો), 337 (જીવનને જોખમમાં મૂકનાર બેદરકારીભર્યું કૃત્ય), 504 (જાહેર શાંતિમાં ખલેલ પહોંચાડવી અને હિંસા ભડકાવવા) હેઠળ બંને સમુદાયના લગભગ 100 લોકો સામે ગુનો નોંધ્યો છે. અન્ય જોગવાઈઓ નોંધવામાં આવી છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ સંબંધમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે બળનો ઉપયોગ કરવો પડ્યો.
ગામમાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત
મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓને તૈનાત કરીને ગામમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને પરિસ્થિતિ હવે શાંતિપૂર્ણ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાત સિવાય રાજસ્થાન અને ઝારખંડમાં ધાર્મિક સરઘસો પર પથ્થરમારાના અહેવાલો સામે આવ્યા છે, જેના કારણે આ વિસ્તારોમાં સાંપ્રદાયિક તણાવ જોવા મળી રહ્યો છે. તે જ સમયે, દેશના ઘણા વિસ્તારોમાં ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકરના ઉપયોગનો મુદ્દો પણ ગરમાયો છે.