એક વર્ષથી કોરોના સામે જંગ લડી રહેલી દુનિયામાંથી આજે પણ મુશ્કેલીઓ દૂર થઈ નથી. દુનિયામા આજે મોટાપાયે વેકસીનેશન ચાલી રહ્યું છે. ભારતમાં પણ વેકસીનેશનનું અભિયાન મોટાપાયે ચાલી રહ્યું છે. ત્યારે તજજ્ઞોએ ભારતના પ્રાચીન યોગશાસ્ત્ર તરફ નજર દોડાવી છે. કોવિડ-19ની સામે લડાઇ લડવામાં યોગશાસ્ત્ર ઉપયોગી થઈ શકે કે કેમ ? તેવા સવાલનો જવાબ શોધવા હાલ મોટાપાયે મથામણ જારી છે. કેન્દ્રના મિનિસ્ટ્ર ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીએ તાજેજરમાં કોવિડ સામેના જંગમાં આધુનિક વિજ્ઞાનના ઉપચાર સાથે ગાયત્રી મંત્રનો જાપ અને પ્રાણાયામ કરવાથી ફાયદો થાય છે કે કેમ ? એનો અભ્યાસ કરવા સંશોધકોને તાકીદ કરી છે. AIIMSના પલ્મોનોલોજિસ્ટ અને એસોસિયેટ પ્રોફેસર ડો. રૂચિ દુઆએ એક અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે AIIMSમાં પોસ્ટડોકટરલ સંશોધક પણ યોગ સંશોધનમાં જોડાયા છે. અમે મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં અરજી કરી હતી. જે બાદ અમને સંશોધન કરવા માટે 3 લાખ રૂપિયાનું ભંડોળ ફાળવાયું છે.
રૂષિકેશ AIIMSના તજજ્ઞોએ કોવિડ- 19ની સારવાર લઇ રહેલા 20 દર્દીઓની સમયાંતરની સ્થિતિની સમીક્ષા કરી છે. આ દર્દીઓને સંશોધકોએ 10-10ના બે જૂથમાં વહેંચી નાંખ્યા હતા. એક સમૂહને કોવિડના બધા આધુનિક ઉપચારથી સારા કરવા પ્રયાસ કરાઈ રહ્યા છે. આ સાથે જ ગાયત્રી મંત્રનો જાપ અને સવાર- સાંજ પ્રાણાયામ કરાવવામાં આવી રહ્યા છે. જયારે દર્દીના બીજા જૂથને માત્ર આધુનિક ઉપચાર એટલે કે દવાઓ વડે સારા કરવા પ્રયાસ કરાઈ રહ્યો છે. આ બંને પ્રયોગ આગામી 10 દિવસ સુધી ચાલનાર છે. સમય પુરો થાય એટલે બનેં જૂથ પર થયેલી અસર વિશે કયાસ કઢાશે. સંશોધકો આ અભ્યાસમાં એ સવાલનો જવાબ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે કે, ગાયત્રી મંત્રના જાપ અને પ્રાણાયમ કરવાથી કોરોનાને રોકવામાં કેટલી અને કેવી રીતે મદદ મળે છે. અથવા તો તેની કોઈ અસર થાય છે કે કેમ તેનો જવાબ પણ શોધાશે. આ સાથે જ ગાયત્રી મંત્ર અને પ્રાણાયામ કરવાથી દર્દીઓને થાક, અસ્વસ્થતા અને ડિસઓર્ડરમાં ઘટાડો થયો છે કે કેમ તેનું પણ મુલ્યાંકન કરવામાં આવશે.