ગુજરાત કોંગ્રેસના દીગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ પોતાની પત્ની વિરુદ્ધ અખબારમાં વકીલ મારફતે પ્રસિદ્ધ કરાવેલી નોટીસથી રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. ત્યાં બીજી તરફ હવે ભરતસિંહ સોલંકીની પત્ની રેશ્મા પટેલે પણ વળતો પ્રહાર કર્યો છે. રેશ્મા પટેલે ભરતસિંહના આરોપો અંગે ખુલાસો કરતા આ વિવાદ વધુ ગરમાય તેવા એંધાણ વર્તાય રહ્યા છે. ભરતસિંહ સોલંકીએ બે દિવસ પહેલાં જ પોતાની પત્ની વિરુદ્ધની એક નોટિસ જાહેર કરી હતી. જેમાં તેમણે વકીલ મારફતે લખાવ્યું હતુ કે, તેમની (ભરતસિંહની) પત્ની પોતાના કહ્યામાં નથી અને મનસ્વી રીતે વર્તે છે. જેથી ભરતસિંહ સોલંકીને રેશ્મા પટેલથી નુકસાન થવાનો ડર છે, રેશ્મા પટેલ ભરતસિંહને કોઈપણ રીતે નુકસાન કરી શકે તેમ છે. તેથી તેણી સાથે ભરતસિંહને નામે કોઈ પણ નાણાંકીય વ્યવહાર કરવો નહીં. નોટિસમાં એવો ઉલ્લેખ પણ કરાયો છે કે, રેશમા પટેલ 4 વર્ષથી ભરતસિંહથી અલગ રહે છે. અને તેમને પત્ની રેશમા પટેલ સાથે આંતરિક ઝઘડો ચાલી રહ્યો છે. આવા સંજોગોમાં કોઈપણ વ્યક્તિએ રેશ્મા સાથે તેમના નામનો ઉપયોગ કરી કોઈપણ પ્રકારની નાણાકીય લેવડદેવડ કે અન્ય સંબંધો રાખવા નહીં. જો આમ થશે તો ભરતસિંહ તેના માટે જવાબદાર રહેશે નહીં.
હવે ભરતસિંહની આ નોટીસ બાદ રેશ્મા પટેલે કહ્યું છે કે, છૂટાછેડા માટે સાસરીયાઓ દ્વારા મને માનસિક ત્રાસ અપાતો હતો. કોરોના સમયે તેમની સેવા ચાકરી કરી હતી. પરંતુ કોરોનાથી સ્વસ્થ થયા બાદ તેમનું વર્તન બદલાઈ ગયું છે. ભરતસિંહે મારા પર કરેલા આરોપો તદ્ન ખોટા છે. રેશ્માના વકીલે કહ્યું કે, રેશ્મા પર માનસિક રીતે દબાણ લાવી છુટાછેડાનો રસ્તો સરળ કરી શકાય તે માટે આ નોટિસ આપવામાં આવી છે. અત્યાર સુધીમાં રેશ્મા પટેલને ધમકી આપવામાં આવી ચુકી છે. રેશ્મા પટેલે જાહેરમાં કરેલા ખુલાસામાં જણાવ્યું છે કે, મારા પતિ ભરતસિંહ સોલંકીએ જાહેર નોટીસમાં મારા પત્ની કહ્યામાં નથી અને અમારી સાથે રહેતા નથી એવા આરોપ મૂક્યા છે. પરંતુ હકિકતમાં મારા પતિ ભરતસિંહ સોલંકી કોરોનાની બિમારીમાંથી સાજા થયા બાદ તેમનું વર્તન મારા પ્રત્યે બદલાઇ ગયું હતું. તેઓ મારી સાથે ગાળાગાળી કરતા હતા અને મને પહેરેલે કપડે ઘરમાંથી કાઢી મૂક્યા હતા.