નવસારી જિલ્લામાં આવેલી સોનાની લગડી સમાન જમીનોનો ખેલ પાડવાના કેસમાં નવસારીના વિવાદીત પ્રાંત અધિકારીની છેવટે બદલી કરી દેવામાં આવી છે. વિવાદીત પ્રાંત અધિકારી તુષાર કે જાનીની ગીર સોમનાથના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે બદલી કરવાનો ઓર્ડર બહાર પાડવામાં આવ્યો છે. એવું કહેવાઇ રહ્યું છે કે આ કેસમાં સજાના ભાગરૂપે મહેસુલ મંત્રાલયે તુષાર જાનીની બદલીનો ઓર્ડર આપ્યો છે.
નવસારીના આ જમીનના ખેલ પાડવામાં દલાલો અને વચેટીયાઓની વર્ષોથી મોટી ભૂમિકા રહી છે. વડોદરાથી મુંબઇ જતા એક્સપ્રેસ હાઈવે અંતર્ગત નવસારી જિલ્લાની પણ જમીન સંપાદિત કરવામાં આવી હતી. જેમાં સુરતના વકીલ અને દલાલોએ જમીનના ખોટા દસ્તાવેજો ઊભા કરીને વળતરના નાણાં મેળવ્યાના પ્રકરણમાં અત્યાર સુધી કુલ 12 ફરિયાદ નોંધાઈ છે. જેથી સમગ્ર મામલો ગાંધીનગર મહેસુલ વિભાગ પાસે પહોંચતા ગાંધીનગરમાં મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ મામલે પત્રકાર પરિષદ પણ યોજી હતી અને તપાસ કરીને યોગ્ય પગલા લેવાની બાહેંધરી પણ આપી હતી. મહેસુલ મંત્રીએ આ મામલે એસઆઇટીની તપાસની માંગણીનો પણ સ્વીકાર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ-મુંબઇ વચ્ચે શરૂ થનારી બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનની કામગીરી બહાર પાડવામાં આવી હતી અને તેને લીધે લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો. જો કે લોકોને જમીન સંપાદનના બદલામાં મોટું વળતર ચુકવવાનું જાહેર કરતા જ લેભાગુ તત્ત્વો પણ ઉભા થયા હતા. જમીનના ખોટા દસ્તાવેજો કરીને નાણાં મેળવ્યાના ઘણાં મામલા સામે આવ્યા બાદ પણ પ્રાંત અધિકારી દ્વારા યોગ્ય પગલાં લેવામાં ન આવતાં આ મામલે અત્યાર સુધી 12 ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હવે મહેસુલ મંત્રાલયે એસઆઇટીની માંગ સ્વીકારી લીધી છે અને મોટો નિર્ણય કરતા નવસારીના પ્રાંત અધિકારીની ગીર સોમનાથ ચૂંટણી અધિકારી તરીકે બદલી કરી દેવામાં આવી છે.