ભારતમાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં આતંરરાષ્ટ્રીય હસ્તીઓના ટ્વિટ બાદ મોદી સરકારમાં ખળભળાટ મચી ગયો છે. હસ્તીઓના ટ્વિટ બાદ દરરોજ અવનવા ખુલાસા અને તર્કો રજૂ કરવામાં આવી રહ્યા છે. હવે ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વિટ કરવા બદલ અમેરિકાની પોપ સ્ટાર રિહાનાએ લગભગ અઢી મિલિયન યુએસ ડોલર એટલે કે 18 કરોડ રુપિયા લીધા હોવાનો દાવો થઈ રહ્યો છે. ધ પ્રિંટમાં પ્રકાશિત એક રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરાયો છે. 32 વર્ષની પોપ સ્ટાર રિહાનાએ દિલ્હીના પાડોશી રાજ્ય હરિયાણાના કેટલાંય જિલ્લામાં ઇન્ટરનેટ બંધ થવા પર એક ન્યૂઝ વેબસાઇટના સમાચારને શેર કરતાં ખેડૂતોને સમર્થન કર્યું હતુ. તેમણે ટ્વિટર પર લખ્યું કે આપણે આ અંગે વાત કેમ કરી રહ્યા નથી ? તેની સાથે જ તેણે પોતાના ટ્વીટમાં #FarmersProtest હેશટેગ પણ લગાવ્યો હતો. બસ આ જ બાબતથી શરૃ થયેલો વિવાદ દુનિયાના દેશો સુધી પહોંચી રહ્યો છે.
ધ પ્રિંટમાં પ્રકાશિત અહેવાલમાં દાવો કરાયો છે કે, ખેડૂત આંદોલનના સમર્થનમાં ગ્લોબલ કેમ્પેઇનની શરુઆત કરવા પાછળ પીજેએફનો હાથ છે. કેનેડાના પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશનના સંસ્થાપક એમઓ ધાલીવાલ સ્કાઇરોઇટ નામની આ ફર્મના ડાયરેક્ટર છે. આ સંગઠન પાઠળ શક્તિશાળી અલગાવવાદીઓ સક્રિય છે. આ લોકો ખાલિસ્તાનના સમર્થક છે. બસ આ જ ખાલિસ્તાની સમર્થક એક પીઆર ફર્મ પાસેથી રિહાનાએ ભારતના ખેડૂતોના સમર્થનમાં ટ્વિટ કરવા બદલ પૈસા લીધા છે. પીજેએફની વેબસાઇટ પર પણ અત્યારે સૌથી વધારે એક્ટિવ લોકો ખેડૂત આંદોલન વિશે જ ચર્ચા કરી રહ્યા છે. અહેવાલમાં એવો પણ દાવો કરાયો છે કે, ગ્રેટા થનબર્ગ દ્વારા જે ટૂલકિટ શેર કરાઈ છે તેને કેનેડાની પીજેએફ ફાઉન્ડેશન દ્વારા જ તૈયાર કરાઈ છે. ઇન્ટરનેશનલ પોપ સિંગર રિહાનાએ ખેડૂત આંદોલનને લઇ પ્રતિક્રિયા આપીને ભારત સરકાર પર આંતરરાષ્ટ્રીય દબાણ વધારવાનો પ્રયાસ થયો હોવાનુ મોદી સરકાર માની રહી છે.
રિહાના બાદ પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ સહિત ઇન્ટરનેશનલ સ્તરની કેટલીય હસતીઓએ પણ ખેડૂતોનું સમર્થન કર્યું હતુ. બીજી તરફ શુક્રવારે દિલ્હી પોલીસે આંદોલનમાં પીજેએફની ભુમિકા અંગે કેટલીક સ્પષ્ટતા કરી હતી. દિલ્હી પોલીસે કહ્યું હતુ કે, ખેડૂત આંદોલનની આડમાં પીજેએફ સંસ્થાના સ્થાપક એમઓ ધાલીવાલ ખાલિસ્તાની ચળવળને વેગ આપવા માંગે છે. દિલ્હીમાં આંતર રાષ્ટ્રીય હસ્તીઓના ટ્વિટ બાદ નોંધાયેલી કેસની તપાસ ચાલુ છે અને પોલીસ વધુ માહિતી એકત્રિત કરી રહી છે.