ભારતમાં કિસાન આંદોલનનો સામનો કરી રહેલી મોદી સરકાર માટે પેટ્રોલ ડીઝલના ભાવ મોટી સમસ્યા નોતરી શકે છે. કારણ કે, દેશના કેટલાક શહેરોમાં આજે પેટ્રોલ પ્રતિ લિટર 100 રૃપિયાને પાર થઈ ગયું છે. જયારે મોટાભાગના વિસ્તારોમાં તેની કિંમત 90ને આંબી ગઈ છે. લોકડાઉન સમયથી જ ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવોમાં ધરખમ ઘટાડો થયો છે. આમ છતાં સરકારે પ્રજાને રાહત આપી નથી. બલકે ટેકસ વધારો કરી કરીને તેના ભાવો સતત ઉંચે રાખ્યા છે. મોદી સરકારની આ નીતિને કારણ જનતામાં ભારોભાર નારાજગી પ્રવર્તી રહી છે. મળતી વિગતો મુજબ ભારતના ઘણા શહેરમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થઈ જતાં લોકોનું બજેટ ખોરવાયું છે. શનિવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 91 રૂપિયા પ્રતિ લિટર રહી હતી. બીજી તરફ પાડોશી દેશોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ભારત કરતા લગભગ અડધા રહ્યા છે. ભૂટાનમાં તો પેટ્રોલ રૂ. ૫૦ની કિંમતે વેચાઈ રહ્યું છે. ભારતમાં ઈંધણ પર સૌથી વધુ વેટ વસૂલતા રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૧થી વધુ અને ડીઝલનો ભાવ ૯૬.૯૦થી વધુ થયો છે. જોકે, પડોશી દેશ ભૂટાનમાં ૧૫મી ફેબુ્રઆરીએ પેટ્રોલનો ભાવ ૪૯.૫૬ રૂપિયા હતી જ્યારે પશ્ચિમ સરહદે પાકિસ્તાનમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૫૧.૧૩ રહ્યો હતો. શ્રીલંકામાં રૂ. ૬૦.૨૬ તથા નેપાળમાં રૂ. ૬૮.૯૭ના ભાવે વેચાણ થઈ રહ્યું હતુ.
આ જ સમયે બાંગ્લાદેશમાં પેટ્રોલની કિંમત રૂ. ૭૬.૪૦ રહી હતી. આવા સંજોગમાં દેશમાંથી સવાલો ઉઠી રહ્યા છે કે એક સમયે પેટ્રોલના ભાવ મુદ્દે કોંગ્રેસ સરકાર સામે મોરચો માંડતા મોદી અને ભાજપ આજે ભાવ મુદ્દે કેમ પાણીમાં બેસી ગયા છે. જો કે, સરકાર આ મુદ્દે લુલો બચાવ કરવા માંડી છે. પ્રધાનમંત્રીએ મોદીએ ગુરુવારે કહ્યું હતુ કે, આગળની સરકારોએ કાચા તેલની નિર્ભરતા ઓછી કરી હોત તો દેશને આજે મોંઘુ તેલ ન ખરીદવું પડ્યું હોત. પેટ્રોલની કિંમતને ઉદાહરણના રૂપે સમજીએ તો દિલ્હીમાં 16 ફેબ્રુઆરી 2021ના હિસાબે બેઝ પ્રાઈઝ 31.82 રૂપિયા પ્રતિ લીટર હતી. ત્યાર બાદ તેમા ટ્રાન્સપોર્ટેશનના 28 પૈસા જોડવામાં આવે છે. ત્યાર બાદ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ આ તેલ 32.10 રૂપિયાના ભાવે ડીલર્સને વેચે છે. ત્યાર બાદ કેન્દ્ર સરકાર પ્રતિ લીટર પેટ્રોલે 32.90 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી લગાવે છે. ત્યાર બાદ પેટ્રોલ પંપ ડીલર પેટ્રોલ પર 3.68 રૂપિયા તેમનું કમિશન જોડે છે. ત્યાર બાદ જ્યાં પેટ્રોલ વેચવામાં આવે છે. વળી રાજ્ય સરકાર દ્વારા તેમા વેટ લગાવવામાં આવે છે. મોદીની આ દલીલ સાચી ગણીએ તો પણ મહત્વની બાબત એ છે કે, લોકડાઉનમાં ક્રુડ ઓઈલનો ભાવ 19 ડોલર પ્રતિ બેરલ રહ્યો હતો. તેવા સમયે મોદીએ કેમ રાહત આપી ન હતી. વળી, વાસ્તવિકતા આ જ હતી તો પછી મોદી કે ભાજપ કોંગ્રેસ સરકારને આ મુદ્દે કેમ ભીંસમાં લેતા હતા.
એક રિપોર્ટ અનુસાર સરકારને આ નાણાકીય વર્ષ દરમિયાન પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટીથી 3.49 લાખ કરોડ રૂપિયા મળશે. આ નાણાકીય વર્ષ 2020-21 ના બજેટ અનુમાન 2.49 લાખ કરોડથી 39.3 ટકા કે લગભગ 97,600 કરોડ રૂપિયા વધારે હશે. બીજી તરફ કોરોનાને કારણે સરકારને નાણાકીય વર્ષમાં જીએસટી કલેક્શન અને કસ્ટમ ડ્યૂટીમા ભારે ફટકો પડ્યો છે. એટલે કે જીએસટી કલેક્શનમાં અદાજે 1.49 લાખ કરોડ રૂપિયા અને કસ્ટમ ડ્યૂટીમાં અંદાજે 26,000 કરોડ રૂપિયા ઓછા મળી શકે છે. આ ઉપરાંત કોર્પોરેટ ટેક્સ કલેક્શન 34.5 ટકા ઘટીને 4.46 લાખ કરોડ રહી શકે છે. આ રીતે ઈનકમ ટેક્સ કલેક્શન પણ અંદાજે 27 ટકા ઘટીને માત્ર 4.59 લાખ રૂપિયા રહી શકે છે. તેથી સરકાર પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ ઘટાડવાના મૂડમાં નથી. તેને કારણે પ્રજાની મુશ્કેલી વધી રહી છે.