પાકિસ્તાનની ઈમરાન સરકાર ફરી એકવાર કટ્ટરપંથીઓ સામે ઝુકી ગયા છે. ઈમરાન સરકારે મંગળવારે તહરીક-એ-લબ્બેકના નેતા સાદ રિઝવીને કોટ લખપત જેલમાંથી છોડી મુકતા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ હવે તેના પડઘા પડવાની શકયતા છે. હાલમાં ઇમરાન સરકારના આ નિર્ણયની કેટલાક દેશ દ્વારા ટીકી થઈ રહી છે. ફ્રાન્સમાં પયગમ્બર મોહમ્મદના કાર્ટૂનને પ્રસિદ્ધ કરાયા બાદ પાકિસ્તાનમાં તહરીક-એ-લબ્બેકે સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરાયા હતા. જેમાં ફ્રાન્સનો વિરોધ કરાઈ રહ્યો હતો. જેને પગલે ઇમરાન ખાનની સરકારે લબ્બેકના નેતા સાદ રિઝવીની ધરપકડ કરી તેને જેલમાં ધકેલી દીધો હતો. જો કે, આ ઘટના બાદ પાકિસ્તામાં પ્રદર્શનો હિંસક બની ગયા હતા. ખુદ પોલીસ કર્મચારીઓ પણ ઈમરાન સરકારના રિઝવીની ધરપકડના પગલાની વિરુદ્ધમાં આવવા માંડ્યા હતા. જેને કારણે ઈમરાન સરકાર પર દબાણ સતત વધવા માંડ્યું હતુ. તહરીક-એ-લબ્બેક દ્વારા ચાલી રહેલા હિંસક પ્રદર્શનોને શાંત કરવા માટે સરકારે ફ્રાન્સના રાજદૂતને દેશ છોડી દેવા માટે પ્રસ્તાવ લાવવા પણ જાહેરાત કરવી પડી હતી.
પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રાશિદ અહમદે જાહેરાત કરી હતી કે સરકાર નેશનલ એસેમ્બલીમાં ફ્રાન્સના રાજદૂતનો દેશ નિકાલ કરવા પર એક પ્રસ્તાવ રજૂ કરશે. તેમણે વિડીયોમાં કહ્યું કે, તહરીક-એ-લબ્બે પાકિસ્તાનની સાથે વાતચીત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આમ છતાં પ્રદર્શનો ચાલુ જ રહેતા ઇમરાન ખાને મજબૂરીવશમાં રિઝવીને છોડી મુક્વો પડ્યો છે. આવનારા દિવસોમાં રિઝવીની અન્ય માંગો પણ ઇમરાન ખાન માનવા માટે મજબૂર થાય તેવા અહેવાલો છે. સુત્રોના જણાવ્યા મુજબ કટ્ટરપંથીઓના વધતા દબાવની વચ્ચે ઇમરાન ખાનની સરકારે લબ્બેકની બીજી માંગો પર પણ અમલ કરવાનું શરૂ કરી દીધું છે. દરમિયાન મંગળવારે પ્રદર્શનો તરફ ઇશારો કરતા પીએમ ઇમરાન ખાને કહ્યું કે, પાકિસ્તાનમાં આ એક મોટું દુર્ભાગ્ય છે કે આપણા રાજકીય દળો અને ધાર્મિક દળો ઇસ્લામનો ખોટી રીતે ઉપયોગ કરી રહ્યા છે. જેને કારણે દેશને જ નુકસાન થઈ રહ્યું છે.