ભારતમાં કોરોના મહામારીનું સંકટ સૌ કોઈની પરેશાનીનું કેન્દ્ર બની ગયું છે. દેશમાં ઓક્સિજન, દવા અને ઈન્જેકશનની અછત સરકાર અને તબીબી જગત સાથે જ દર્દીઓની મોટી મુશ્કેલી બની છે. તેવા સમયે માનવતા મરી પરિવારી હોવાની હિસ્સા પણ બની રહ્યા છે. કોરોનાના આ કાળમાં દવા, ઈન્જેકશન સહિતની સુવિધાને નામે લૂંટાણુ ચાલી રહ્યું છે. જેની સામે સરકાર પણ લાચાર બની ગઈ છે. એપ્રિલ મહિનામાં જ ગુજરાતમાં રેમડેસીવિર ઈન્જકેશનના કાળાબજારમાં ભાવ 8000 રૃપિયા સુધી પહોંચી ગયો હતો. ગુજરાતના વડોદરા અને સુરતમાં તો દવા અને ઈન્જેકશનના કાળા બજારના વેપલાને રોકવા પોલીસે કવાયત આદરીને કેટલાક લોકોને જેલભેગા કરી દીધા છે.
આટલું ઓછું હોય તેમ હવે એમ્બ્યુલન્સના ભાડા દોઢ ગણા કરી દેવાયા છે. તો મજબૂરીનો લાભ ઉઠાવતા કેટલાક કંપની ઉત્પાદકો અને મેડિકલ સ્ટોરના સંચાલકોએ ઓક્સિમીટરના ડબલ ભાવ વસુલવાનું ચાલુ કરી દીધુ છે. ઑક્સિજન સિલિન્ડરનો એક સમયે ભાવ રૂ.250 હતો જે અત્યારે વધીને 350 થયો છે. 50 કિલો ઑક્સિજનના બાટલાની કિંમત રૂ.460થી વધીને રૂ. 550 થઈ ગઈ છે. જયારે 25 કિલોનો બાટલો હવે રૂા. 250ને બદલે રૂા. 350ને ભાવે વેચાય રહ્યો છે.
હાલમાં રાજકોટ, મોરબી, ધ્રોલ, જૂનાગઢ તથા પોરબંદરમાં કોરોનાના દર્દીની સંખ્યા વધી છે. તેથી જામનગરથી રાજકોટ-મોરબી જવા માટે ખાનગી એમ્બ્યુલન્સે પણ 2000ને બદલે રૂા. 7થી 8 હજાર ભાડુ વસુલવાનું શરુ કર્યું છે. આ ઉપરાંત જામનગરની આસપાસના નાના ગ્રામ્ય વિસ્તાર સુધી જવા માટે રૂા. 400થી 500ને બદલે હવે રૂા.1100થી 2000 વસુલાય રહ્યા છે. કોરોનાની પહેલી લહેર વખતે ઑક્સિમીટર રૂા. 850માં મળતું હતુ. અત્યારે એનો ભાવ રૂા.1500 સુધી પહોંચી ગયો છે.
હાલ મહામારીના સમયમાં ફ્રૂટનું વેચાણ વધ્યું છે. ખાસ કરીને તબીબો ખાટા ફળ ખાવા માટેની સલાહ આપી રહ્યા છે. તો ફળના વેચાણમાં પણ આડેધડ ભાવ વસૂલવાનું શરુ કરી દેવાયું છે. મોસંબીના અગાઉ ભાવ રૂ. 80થી 100 હતા એ હવે રૂ.130થી 150 થઈ ગયા છે. એ જ રીતે સંતરાનો રૂ. 80થી 90નો ભાવ હતો. જે આજે રૂા. 150ના ભાવે વેચાણ થઈ રહ્યા છે. લીંબ અગાઉ રૂ. 30માં મળતા હતા જેનો ભાવ અત્યારે રૂ.160 પ્રતિ કિલોનો થઈ ગયો છે. જયારે કિવીના એક નંગના રૂ. 30 હતા જે હવે રૂ. 50 થયા છે. જયારે નાળીયેરના ભાવ રૂ.30થી 40ને બદલે રૂા. 80 કરી દેવાયા છે. અગાઉ રૂા. 90માં મળતા સફરજનના વેચાણમાં તો હદ કરી નંખાય છે. અત્યારે 100 રૃપિયામાં માત્ર ત્રણ નંગ મળે છે. જામનગરમાં અનેક સેવા કેમ્પ દર્દીના સ્વજનોની સેવા કરવા આગળ આવ્યા છે. આવામાં મજબુરીનો ફાયદો ઊઠાવનારાઓએ પણ રીતસરનું લૂંટવાનું શરૂ કર્યું છે.