ઇઝરાયલ અને હમાસ વચ્ચે કેટલાક સમયથી ચાલતો વિખવાદ હવે હિંસક સ્વરુપ ધારણ કરી ચુક્યો છે. અત્યાર સુધી આ બંને દેશ એકબીજા પર છાશવારે હુમલા કરતા રહ્યા છે. દરમિયાનમાં ઇઝરાયલ ઉપર 100 જેટલા રોકેટથી હુમલા થતા આખા દેશમાં અફરાતફરી મચી જવા સાથે પ્રજામાં ચિંતાનો માહોલ ઉભો થયો છે. આ હુમલો હમાસે કર્યાનો આરોપ ઈઝરાયેલે મુક્યો છે. જયારે અત્યારે આ હુમલાને કારણે ઈજાગ્રસ્ત એક ભારતીયનું મોત નીપજ્યું હોવાના અહેવાલો છે. મીડિયાના અહેવાલો મુજબ ઇઝરાયલ અને હમાસ વચ્ચે કેટલાક સમયથી કોઈને કોઈ બાબતે વિવાદ સર્જાય રહ્યો છે. જેથી બંને દેશ એકબીજા સામે શસ્ત્રોનો ઉપયોગ કરવા માંડ્યા છે. ગત સોમવારે રાતથી ઇઝરાઇલમાં 300થી વધુ રોકેટથી હુમલા થયા છે. જેના જવાબમાં ઇઝરાઇલે ગાઝામાં 150 સ્થળોએ હુમલો કર્યો છે. ઈઝરાયલના આરોપો મુજબ તેના દેશમાં કરાયેલા હુમલા પાછળ હમાસનો જ હાથ છે. આ હુમલામાં એક ભારતીય નાગરિક સૌમ્યા સંતોષનું મોત થયું છે. આ મહિલા છેલ્લા 7 વર્ષથી ઇઝરાઇલમાં રહેતી હતી. સૌમ્યા સંતોષ ઈઝરાયલમાં એક વૃદ્ધ મહિલા તથા તેના ઘરની સંભાળ રાખતી હતી. હુમલો થયો તે સમયે વૃદ્ધ મહિલાનો બચાવ થયો હતો, પરંતુ સૌમ્યાને ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાય હતી. જયાં તેનું મોત થયું હતુ.
જો કે, આ ઘટનામાં વૃદ્ધ મહિલાને નાની મોટી ઇજા થતાં તેને પણ હોસ્પિટલમાં ખસેડાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 35 પેલેસ્ટાઈન અને 3 ઇઝરાયલીઓ માર્યા ગયા છે. ઇઝરાઇલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે હમાસે જેરુસલેમ પર રોકેટ ચલાવીને સરહદ પાર કરી છે. આ સાથે જ તેણે હમાસ પર હુમલો વધારવાનું એલાન કર્યું હતુ. આ વખતે વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે પૂર્વ જેરુસલેમમાં પેલેસ્ટિનિયન પરિવારોને હમાસે વિસ્તાર ખાલી કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરનારાઓ અને પોલીસ વચ્ચે અનેક અથડામણ થઈ હતી. ઇઝરાઇલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલી હિંસાને કારણે વડાપ્રધાન નેતન્યાહૂએ લોડ શહેરમાં કટોકટી જાહેર કરી છે. બીજી તરફ ઇઝરાયલના વિદેશ મંત્રાલયના સુત્રોના જણાવ્યા મુજબ હમાસ તરફથી ઈઝરાયલના રહેણાંક વિસ્તારોમાં 130 રોકેટથી હુમલા થયા છે. આ જ સમયે જેરૂસલેમમાં પણ હિંસા ભડકી હતી. આવા સંજોગોમાં મંગળવારે ઈઝરાયલે ગાઝા પટ્ટી પર હુમલો કરી જવાબ આપ્યો છે. ત્યારે એક મોટી ઇમારતને નિશાન બનાવાઈ હતી, જેમાં હમાસના ઉગ્રવાદીઓ રહેતા હતા. ઈઝરાયેલે કરેલા હુમલામાં 3 આતંકવાદીઓ માર્યા ગયા હતા. વર્ષ 2014 પછી બંને દેશ દ્વારા થયેલી આ સૌથી હિંસક અને ઉગ્ર કાર્યવાહી છે. બે દેશ વચ્ચે સતત વધી રહેલા જમીનના વિવાદથી આંતરરાષ્ટ્રીય સમુદાય પણ ચિંતિત છે. ઘણા દેશોએ ચાલી રહેલી હિંસા બંધ કરવા અપીલ કરી છે.