પંજાબના તરનતારન જિલ્લામાં પોલીસ સ્ટેશન પર રોકેટ લોન્ચર હુમલાના સમાચાર છે. મળતી માહિતી મુજબ, આ હુમલામાં પોલીસ સ્ટેશનની ઇમારતને નજીવું નુકસાન થયું છે. હુમલો રાત્રીના 1 વાગ્યાની આસપાસ થયો હતો. એવું કહેવાય છે કે પોલીસ સ્ટેશનની ઇમારતને નિશાન બનાવીને રોકેટ લોન્ચરથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં બિલ્ડિંગની બારીઓના કાચ તૂટી ગયા હતા.
જો કે આ હુમલામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. તરનતારન સરહદને અડીને આવેલો હોવાથી તેને પંજાબનો અતિ સંવેદનશીલ જિલ્લો માનવામાં આવે છે. આ હુમલાથી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
જણાવી દઈએ કે, આ વર્ષના મે મહિનામાં મોહાલીમાં પંજાબ પોલીસની ઈન્ટેલિજન્સ વિંગના હેડક્વાર્ટર પર રોકેટ હુમલો થયો હતો. આ હુમલામાં મોહાલીના સેક્ટર 77માં ઈન્ટેલિજન્સ વિંગ હેડક્વાર્ટર બિલ્ડિંગના એક ફ્લોરને નિશાન બનાવવામાં આવ્યું હતું. જો કે, આ હુમલામાં પણ કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. બાદમાં પોલીસે હુમલામાં સામેલ આતંકવાદીની ધરપકડ કરી હતી.