ઉત્તર પ્રદેશમાં મહિલાઓ સાથે છેડછાડ કે રેપની ઘટનાનો સિલસિલો કયારેય પણ અટકતો નથી. સરકાર કે પોલીસ રોમિયો કે નરાધમો સામે પગલા લે છે. પરંતુ તે અપૂરતા જ સાબિત થઈ રહ્યા છે. તાજેતરમાં બનેલા એક કિસ્સામાં તો ખુલ મહિલા પોલીસ કર્મચારી જ ઈશ્કીટટ્ટુની કરતૂતનો ભોગ બની હતી. રોમિયોએ ખાખી વર્દી પહેરનાર મહિલા પોલીસ કર્મચારીની છેડતી કરવામાં પણ ખચકાટ કે ગભરાટ અનુભવ્યો ન હતો. ઉત્તર પ્રદેશના બરેલીના ફરીદપુર પોલીસ સ્ટેશનની હદમાં બનેલી આ ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. ફરીદપુર સાહુકાર મહોલ્લામાં આવતી-જતી મહિલા કે યુવતીઓની છેડછાડ થતી ફરિયાદ મળતા મિશન શક્તિ અભિયાન હાથ ધરાયું હતુ. જેમાં એક રોમિયો ભેરવાય પડ્યો હતો.
મળતી વિગતો મુજબ ફરિદપુરની ગલીમાંથી પસાર થઈ રહેલી મહિલા પોલીસ કર્મચારીને જોઈને એક રોમિયોએ ટિપ્પણી કરતા કહ્યું હતુ કે, ‘તું આટલી પાતળી છે, રાઇફલ કઈ રીતે સંભાળે છે. આ ટિપ્પણી બાદ મહિલા પોલીસે તે ઈશ્કીટટ્ટુને તરત જ પકડી લીધો હતો. રોમિયોને બોધપાઠ મળે તે માટે તે મહિલાએ તેને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. ત્યારબાદ ઘટના અંગે પોલીસ મથકે જાણ કરાતા પોલીસના અન્ય જવાનો પણ ત્યાં ધસી આવ્યા હતા. જો કે, વધુ પોલીસ કર્મચારીઓને જોઈએ રોમિયો તે મહિલાને ધક્કો મારી ભાગી છૂટ્યો હતો. જો કે, આ સમયે તેનો ફોન સ્થળ પર પડી ગયો હતો. જેને પોલીસે કબજે કર્યો હતો. ઘટના બાદ મહિલા પોલીસ કર્મચારીએ નિવેદન નોંધાવ્યું હતુ કે, આ યુવક ગલી કે મહોલ્લામાંથી પસાર થતી છોકરી, મહિલા કે યુવતીઓની છેડછાડ કરતો રહે છે. કોઈપણ મહિલા કે યુવતીને જોઈ તે ખરાબ ટીપ્પણી કરતો હોય છે.
જો કે, આજે મારા વિશે બોલવા જતાં તેને બરારબર ઢીબી નંખાયો હતો. પોલીસનું કહેવું છે કે મહિલા વિશે ટિપ્પણી કરનાર યુવકને જલ્દીથી પકડી પાડવામાં આવશે. સાહુકાર મહોલ્લામાંથી કેટલીક છોકરીઓ તરફથી ફરિયાદ મળી હતી કે જ્યારે પણ તેઓ રોડ પરથી પસાર થાય છે તો તેમના પર કેટલાક રોમિયો કોમેન્ટ કરે છે. આ વાતથી છોકરીઓ ખૂબ પરેશાન રહે છે. આ ફરિયાદોને લઈને મિશન શક્તિ અભિયાન જ છટકુ ગોઠવીને મહિલા પોલીસ કર્મચારીને તે વિસ્તારમાં મોકલવામાં આવી હતી. જેમાં રોમિયો યુવક ઝપટે ચઢી ગયો હતો.