રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રથમ પ્રવક્તા માધવ ગોવિંદ વૈદ્યનું નાગપુર ખાતે શનિવારે બપોરે 97 વર્ષની જૈફ વયે નિધન થયું હતું. તેઓને જનસંઘીઓ એમજી વૈદ્યના નામથી ઓળખતા હતા. માધવ ગોવિંદ વૈદ્યના પૌત્ર વિષ્ણુ વૈદ્યએ ઘટનાની પૃષ્ટિ કરતા જણાવ્યું હતુ કે, શનિવારે બપોરે 3.35 કલાકે એમ જી વૈદ્યએ અંતિમ શ્વાસ લીધા હતા. માર્ચ મહિનાની 11મીએ તેમણે નાગપુરમાં જ જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે મોહન ભાગવત અને નીતિન ગડકરી સહિત સંઘના વરિષ્ઠ નેતા હાજર રહ્યા હતા. કેટલાક દિવસ પહેલાં તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. જો કે, કોરોનાને મ્હાત આપી તેઓ ઉગરી ગયા હતા. દરમિયાન શુક્રવારે સાંજે અચાનક તેમની તબિયત કથળી ગઈ હતી.
આર.એસ.એસ.ના પ્રખર સેવકવૈદ્યએ મહારાષ્ટ્રને ત્રણથી ચાર ભાગમાં વિભાજન કરવાની હિમાયત કરી હતી. તેઓ માનતા હતા કે, વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર સૌથી મોટા રાજ્યો પૈકીનું એક છે. મહારાષ્ટ્ર 3,07,713 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. તેને ત્રણથી ચાર ભાગોમાં વહેંચવામાં આવે તો વહિવટી સરળતા સાથે પ્રજાને ઝડપી સુવિધા મળે તેમ છે. વૈદ્યના નિધન બાદ મોહન ભાગવતે જણાવ્યું હતું કે, વૈદ્ય આરએસએસમાં સન્માનીય રહ્યા છે. સંઘના કાર્યક્રમોમાં તેમની મહત્વની ભૂમિકા રહી છે. તેઓએ સંગઠનને તેમના વિચારો અને બૌદ્ધિક દ્રષ્ટિકોણથી માર્ગદર્શન આપ્યું હતું. આરએસએસ સંકટનો સામનો કરી રહ્યું હતું ત્યારે તેઓ સંગઠનમાં જોડાયા હતા. વૈદ્ય આરએસએસના અગ્રણી પદાધિકારીઓ પૈકી એક હતા. જેમણે રાષ્ટ્રવાદ અને હિન્દુત્વના વિચારો સાથે સંગઠનને આગળ ધપાવ્યું હતુ.