ટીવી જગતના રિયાલિટી શો ‘બિગ બોસ 14′નો ખિતાબ રૂબીના દિલેકે જીત્યો છે. આ સ્પર્ધામાં રાહુલ વૈદ્ય બીજા ક્રમે છે. રૂબીના દિલેકે પાંચ સ્પર્ધકને હરાવી આ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો છે. રૂબીના દિલેકને વિજેતા બનાવવા તેમના મિત્રોનો મોટો સહયોગ રહ્યો છે. ફાઈનલમાં સૌથી મોટી એન્ટ્રી બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની હતી. ધર્મેન્દ્ર સાથે મળીને સલમાને ખૂબ ધમાલ કરી હતી. શો પર ફિલ્મ ‘શોલે’ નો સીન પણ રિક્રિએટ કરવામાં આવ્યો હતો, જેમાં સલમાને ગબ્બરનો રોલ કર્યો હતો અને રાખી સાવંતે બંસતીની ભૂમિકા ભજવી હતી. આ શોમાં રાખી સાવંત, રૂબીના દિલેક, રાહુલ વૈદ્ય, નિક્કી તંબોલી અને અલી ગોની એમ પાંચ ફાઇનલિસ્ટ હતા, પરંતુ રૂબીનાએ દરેકને પછડાટ આપી છે. રૂબીનાની ફેન ફોલોઈંગ શરૂઆતથી જ નોંધપાત્ર રહી હતી. સાથે જ તે ટ્વિટર પર ટ્રેન્ડ કરતી હતી. ફિનાલેમાં રાખી સાવંત 14 લાખ રૂપિયા લઈને શોમાંથી બહાર નીકળી ગઈ હતી જે પછી અલી ગોની અને નિક્કી તંબોલી શોમાંથી બહાર નીકળી ગયા હતા. અંતે રાહુલ વૈદ્ય અને રૃબીના રહી ગયા હતા. બિગબોસનો ખિતાબ જીતીને રૂબીનાએ 36 લાખ રૂપિયા મેળવ્યા છે. ‘બિગ બોસ 14’માં રૂબીના દિલેકે પતિ અભિનવ શુક્લા સાથે એન્ટ્રી લીધી હતી. અંતિમ સમય સુધી અભિનવે તેને મદદ કરી હતી. બીજી તરફ ફિનાલેમાં ઘણી ધમાચકડી જોવા મળતી હતી. એક તરફ સ્પર્ધકોએ પોતાના અભિનયથી લોકોને આકર્ષ્યા હતા. બીજી તરફ ‘ગર્મી’ ગીત પર નોરા ફતેહી સાથે સલમાન ખાનના ડાન્સે ધૂમ મચાવી હતી.