ભારતમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજયોમાં ગુજરાત પણ રહ્યું છે. એક મહિનામાં અહીં કોરોનાના કેસના ગ્રાફમાં સતત ઉછાળો આવવા સાથે દવા, ઈન્જેકશન અને ઓક્સિજનની અછત અંગે બૂમરાણો ઉઠી ચુકી છે. હવે રાજ્યમાં શરદી-ખાંસી-તાવની દવાના ભાવમાં 140 ટકા સુધીનો ભાવવધારો ઝીંકાતા દર્દીઓની હાલત કફોડી થઈ છે. ગુજરાતમાં પણ કોરોના મહામારીમાં કેટલાય ખાનગી તબીબો, મેડિકલ સ્ટોરના સંચાલકો તથા ફાર્મા કંપનીઓને તડાકો થઈ ગયો છે. રાજ્યમાં 14 મહિનાથી ચાલી રહેલી આ મહામારીમાં તાવ, ખાંસી સહિતની કેટલીક દવાનો ઉપયોગ વધ્યો છે. તેથી પ્રજા પર આવી પડેલી આ આફતને આર્થિક ફાયદાના અવસરમાં રૂપાંતરિત કરવા દવાઓ, ઈન્જેક્શનના કાળા બજાર કરનારાઓ સક્રિય થઈ ગયા છે. આ સાથે જ દવા અને ઈન્જેકશનની સંગ્રહખોરી પણ બેફામ રીતે થઈ રહી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આ મુદ્દે ગુજરાત કોંગ્રેસે વર્તમાન ભાજપ પર આરોગ્યની સ્થિતિ જાળવવામાં તે નિષ્ફળ ગયાનો આરોપ મુકયો છે.
ગુજરાત કોંગ્રેસના પ્રવકતા મનીષ દોષઈએ આ અંગે કહ્યું હતુ કે, રાજ્યમાં ચાલી રહેલી મહામારી સમયે પ્રજાને રાહત થાય તેવા પગલા ભરાવા જોઈએ. તેને બદલે દવાના કાળાબજાર સામે સરકાર મૌન સેવી રહી છે. તાવ, શરદી અને ઉધરસની દવાના ભાવમાં ૧૪૦ ટકા સુધીનો વધારો કરી દેવાયો છે. જયારે ઈજિથ્રોમાયસીનના વેચાણમાં ૭,૩૦૦ પ્રતિ કિલોથી વધીને ૧૦ હજાર રૃપિયા પ્રતિ કિલો સુધીનો વધારો કરાયો છે. કોરોનાના કેસમાં ઉપયોગી દવા આઈવર મેર્કિટનના ભાવમાં થયેલો વધારો ૧૮૮ ટકા છે. આ તમામ ભાવ વધારો છેલ્લા ચાર માસમાં થયો છે. દવાના બજારમાં ચાલી રહેલી આ લૂંટને રોકવામાં રુપાણી સરકાર કોઈ પગલા લઈ શકી નથી.