બિનભાજપી સત્તા હોય તેવા રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી સહિતના પ્રદેશમાં રસીનો પૂરતો સ્ટોક નથી. તેથી ૧૮થી ઉપરના વયજુથમાં ૧ મેથી વેક્સિનેશન નહીં કરવાની જાહેરાતો ત્યાંના મુખ્યમંત્રીએ કરી દીધી છે. બીજી તરફ ડોઝના બગાડ મુદ્દે કોંગ્રેસ, વિપક્ષ શાસિત રાજ્યો ઉપર દોષનો ટોપલો કેન્દ્ર સરકાર હવે ફોડી શકે છે. આ પહેલા ૨૮ એપ્રિલે ગુજરાતમાં જથ્થો મળશે ત્યારે વેક્સિન આપીશું એવું જાહેર કરાતા PMO રુપાણી સરકાર પર નારાજ થયું હતુ. ગૃહમંત્રી અમિત શાહે ૨૯ એપ્રિલે વિજય રૂપાણી અને મુખ્ય સચિવ અનિલ મુકિમને ફોન કરીને ખખડાવી નાંખ્યાનું કહેવાય છે. કેન્દ્રમાંથી ઉચ્ચ નેતાઓની ફટકાર બાદ રુપાણી સરકારે પુનાથી રાતોરાત ત્રણ લાખ ડોઝ મંગાવી લીધા હતા. જે બાદ પહેલી મેએ ગુજરાતના ૧૧ જિલ્લાઓમાં ૧૮થી ઉપરના વયજુથમાં પણ રસીકરણ શરૂ કરવુ પડયુ હતુ. ભારતમાં કોરોનાના કેર વચ્ચે રસીકરણ અભિયાનને ઝડપી બનાવવા માટે સુચનો થઈ રહ્યા છે. ત્યારે 1લી મેથી ૧૮થી ૪૪ની વયજૂથના લોકોને રસી આપવાના અભિયાનની જાહેરાત પણ કરાઈ હતી. કેન્દ્ર સરકારે અને કેટલાક પ્રદેશોની સરકારે આ વિશે 4 દિવસ પહેલાં જ 1લી મેથી 18 વર્ષની ઉપરની ઉંમર ધરાવનારાઓ માટે રસીકરણ ઝુંબેશ શરુ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ હવે મોટાભાગના રાજ્યો સુધી રસીનો પુરતો જથ્થો પહોંચે તેમ ન હોવાથી રસીકરણ ઝૂંબેશમાં મોટી મુશ્કેલી આવી ગઈ છે. તેથી એક પછી એક રાજ્યોએ રસીકરણ અભિયાન હાલ શરૂ કર્યું નથી. આ રાજ્યોમાં મોટાભાગે બિનભાજપી શાસકો છે. દિલ્હી, આંધ્રપ્રદેશ, તેલંગણા, બિહાર, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન સરકારે આ અભિયાન હાલ ચાલુ નહીં કરવાની જાહેરાત કરી હતી. આ પ્રદેશની સરકારે કોરોનાની રસીના અપુરતા જથ્થાના કારણે ૧૮ વર્ષની ઉપરની ઉંમરના તમામ લોકોને રસી આપી શકાય તેમ નથી. તેથી નાગરિકોમાં અસંતોષની ભાવના ઉભી થશે તેવુ કારણ આગળ ધર્યું છે. ગુજરાતમાં પણ રુપાણી સરકારે આ અભિયાનને પાછળ ઠેલવવા કવાયત કરી હતી. પરંતુ આ વાતની જાણ કેન્દ્રની નેતાગીરીને થતાં રુપાણી સરકારને ખખડાવી નંખાઈ હતી. ગુજરાતમાં રસીકરણ ન થાય તો સમગ્ર દેશમાં ખોટો મેસેજ જાય તેમ હોવાથી ખુદ અમીત શાહે જ ગુજરાત સરકારને કડક સુચના આપી હતી. જેને પગલે સરકારે તાબડતોબ પુનાથી રસી મંગાવવાની નોબત આવી હતી.