વડોદરામાં સલાઉદ્દીન શેખ અને તેની સિન્ડીકેટ સામે ઉત્તર પ્રદેશ પછી વડોદરામાં બીજી એફઆઇઆર નોંધાઇ છે. શહેરમાં રજિસ્ટર્ડ આફમી ચેરીટેબલ ટ્રસ્ટના આગેવાની હેઠળ વિદેશથી હવાલા મારફતે મળતાં કરોડો રૂપિયા ફંડના નામે મળ્યા હતા. આ ફંડનો ઉપયોગ દેશભરમાં સીએએ વિરોધી આંદોલનોને સમર્થન આપવા માટે તેમજ તોફાનોમાં પકડાયેલા કટ્ટરપંથીઓને છોડાવવા માટે અને સાથે સાથે લોકોના બ્રેઈન વૉશ કરીને ધર્માન્તર માટે ઉપયોગ કરવામાં આવતો હતો. વડોદરાથી ઓપરેટ થતાં આ મોટા ષડયંત્રમાં વડોદરાના દેશદ્રોહી સલાઉદિન શેખ અને તેની સિન્ડીકેટ સામે ઉત્તર પ્રદેશ પછી વડોદરામાં બીજી એફ.આઈ.આર. દાખલ થઈ છે.
વડોદરામાં નોંધાયેલી આ એફઆઈઆરમાં પોલીસે જાહેર કર્યુ છે કે, આફમી ચેરિટેબલ ટ્રસ્ટના એફસીઆરએ એકાઉન્ટમાંથી વર્ષ 2017થી સલાઉદ્દીને રૂ. 19,03,60,449 અને દુબઈથી હવાલા મારફતે પ્રાપ્ત થયેલાં રૂ. 5.45 કરોડ મળીને રૂ. 24,48,60,449 ધર્માંતર અને ગુજરાત તથા અન્ય રાજયોમાં મસ્જિદો બનાવવા માટે ઉપયોગ કર્યા હતા. સલાઉદ્દીને CAA વિરોધી આંદોલનો ભડકાવવા માટે રૂ. 59 લાખ વાપર્યા હોવાનો હિસાબ પોલીસને મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ ક્રાઈમ બ્રાન્ચે વડોદરામાં પાડેલા દરોડા પછી સક્રિય થયેલા એસપીજીએ 45 દિવસની તપાસમાં દુબઈથી આવેલા હવાલા અને આફમી ચેરીટેબલ ટ્રસ્ટ માટે ઉઘરાવાયેલા લગભગ રૂ. 25 કરોડના હિસાબોનો પર્દાફાશ કર્યો હતો. આ સંવેદનશીલ પ્રકરણ મામલે તપાસ કરવા માટે પોલીસ કમિશનરે એક મદદનીશ પોલીસ કમિશનર, બે પી.આઈ. અને 03 પી.એસ.આઈ.ની સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમ બનાવી છે.