છેલ્લા 14 મહિનાથી અમદાવાદમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરતા સરકારી હોસ્પિટલના સિનિયર તબીબો, રેસિડેન્ટ તબીબો, ઇન્ટર્ન તબીબો સહિત 720થી વધુ હેલ્થકેર વર્કર કોરોનામાં સપડાઈ ચુક્યા છે. કોરોનાથી સંક્રમિત થયા બાદ આ તમામ ફ્રન્ટલાઈન કોરોના વોરિયરે ગભરાઈને ઘરે બેસવાને બદલે દર્દીઓની સેવા કરવાનું અવિરતપણે ચાલુ રાખ્યું છે. અમદાવાદના આ તબીબો આજે રાજ્યોના નાગરિકો માટે પ્રેરણારુપ બન્યા છે. અમદાવાદ સિવિલના તબીબોએ કોરોનાના કપરાકાળમાં દર્દીઓની સેવામાં કોઈ કચાસ છોડી નથી. આ તબીબો સાથે નર્સ, વોર્ડ બોય તથા અન્ય આરોગ્ય કર્મચારીઓ પણ કોરોના સામેના જંગમાં ખરેખર એક યોદ્ધાની જેમ કામ કરી રહ્યા છે. 19મી માર્ચ 2021ના રોજથી અમદાવાદ સિવિલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર શરૂ કરાઈ હતી.
અહીં ડેઝિગ્નેટેડ 1200 બેડ હોસ્પિટલને કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવામાં 7મી એપ્રિલે કાર્યરત કરાયા બાદ આજદીન સુધી તેને ચાલુ રાખવામાં આવી છે. 400 દિવસથી આ હોસ્પિટલમાં તબીબો અને નર્સ સહિતનો સ્ટાફ પી.પી.ઇ. કિટ પહેરીને કોરોનાગ્રસ્ત દર્દીઓની સતત સેવા કરી રહ્યો છે. હાલમાં તો ઉનાળાને કારણે ગરમી વધી ગઈ છે તેવા સમયે પણ આ યોદ્ધા સતત કલાકો સુધી પીપીઈ કીટ પહેરીને ફરજ બજાવે છે. ઘર-પરિવાર હોવા છતાં આ યોદ્દા પોતાના જીવને જોખમમાં મુકીને દર્દીઓને સારવાર આપી રહ્યા છે. વળી, આ ફરજ બજાવવા માટે તેઓ સામાજિક-ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા સુદ્ધા જઈ રહ્યા નથી. દર્દીનારાયણની સેવાને જ પ્રાથમિકતા આપનારા આ તમામ હેલ્થકેરે અનેક લોકોની જીંદગી બચાવી છે. સૌથી મહત્વની બાબત તો એ છે કે, આ સ્ટાફમાંથી 720 જેટલા તબીબો તથા ઈન્ટર્ન ડોકટર, નર્સ અને અન્ય સ્ટાફ કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યો છે. આ લોકોએ સારવાર લઈને સાજા થયા બાદ એકપણ દિવસ આરામ કર્યો નથી.
તમામ કર્મચારીઓ આજે પણ કોરોનાની હોસ્પિટલમાં સેવારત છે. આ રીતે સારવારની સાથે સાથે સકારાત્મક ઉર્જાનો સંચાર તેઓ કરી રહ્યા છે. સિવિલ હોસ્પિટલના હેલ્થકેર વર્કર્સે ખરા અર્થમાં પોઝિટિવિટીના સુપર સ્પ્રેડર્સ બનીને સમગ્ર હોસ્પિટલમાં સકારાત્મક વાતાવણ સર્જ્યું છે. માનવસેવા માટે ઉમરનો કોઇ બાધ હોતો નથી તેને યથાર્થ કરતા તબીબ ડૉ. રાજેશ સોલંકી પલ્મેનોલોજી વિભાગ સરાહનીય સેવા આપીને નિવૃત્ત થયા હતાં. હાલમાં હોસ્પિટલને તેમની જરૂર પડી તો ક્ષણભરનો વિલંબ કર્યા વિના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી (OSD) તરીકે સિવિલ હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા. સતત એક વર્ષની સરાહનીય સેવાઓ બાદ કોરોનાની બીજી લહેરમાં તેઓ કોરોનાથી સંક્રમિત થયા. પરંતુ સારવાર દરમિયાન પણ ટેલીકાઉન્સેલિંગથી દર્દીઓની સારવાર ચાલુ જ રાખ્યું હતુ. સિવિલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. જે.વી.મોદી પણ કોરોનામા સપડાયા ત્યારે તેઓ હોમક્વોરોન્ટાઈન ટાળી હોસ્પિટલમાં જ દાખલ થયા. સારવારની સાથે સાથે તેમણે હોસ્પિટલમાં માર્ગદર્શન અને સલાહ સુચનોનું કાર્ય ચાલુ રાખ્યું.
કોરોના બાદ તેમને ચિકનગુનીયા થતા શારિરીક નબળાઇ પણ આવી હતી. આમ છતાં એક પણ દિવસ રજા લીધા વિના તેઓ સતત ફરજ બજાવતા રહ્યાં છે. સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી મેડિસિન વિભાગના ડૉ. ચિરાગ પટેલ કોરોના સંક્રમણનો સૌથી સંવેદનશીલ વિસ્તાર એવા ટ્રાયેજ એરિયામાં ડ્યુટી કરતા કરતા પોતે કોરોનાથી સંક્રમિત થયા હતા. જે બાદ તેમની સ્થિતિ અત્યંત ગંભીર બની હતી. સદનસીબે વેન્ટિલેટર પર રહીને ટોસિલીઝુમેબ જેવા ઇન્જકેશનની સારવારથી તેઓ સાજા થયા. આમ છતાં તેમણે આરામ કરવાને બદલે પુન: ફરજ પર જોડાવવાનો નિર્ણય લીધો. સિવિલ હોસ્પિટલમાં આવા અનેક દાખલા આજે માનવતા સાથે સેવાભાવનાને ઉજાગર કરી રહ્યા છે.