જમ્મુ કાશ્મીરમાં બે મહિનાથી સતત હિમવર્ષા સાથે જનજીવન ખોરવાયું છે. શીતલહેર અને ઠેરઠેર બરફીલા માહોલમાં અનેક તળાવો પણ થીજી ગયા છે. સમગ્ર કાશ્મીર સફેદ ચાદરમાં લપેટાઈ ગયું હોય, તેવા દ્રશ્યો સામાન્ય થઈ ગયા છે. જો કે, આવી કપરી સ્થિતિમાં પણ ભારતીય સૈન્યના જવાનો ફરજ બજાવવામાં પીછેહઠ કરતા નથી. હાલમાં જ જવાનોનો એક વીડિયો વાયરલ થયો છે. લોકોમાં ખૂબ ઝડપથી ફેલાય રહેલા અને પ્રિય બની રહેલા આ વીડિયોમાં દેખાતી જવાનોની ફરજનિષ્ઠા ખરેખર કાબિલે તારીફ છે. દેશના કોઈપણ નાગરિકને આ જવાનને સલામ કરવાનુ મન થઈ જાય છે. આ વીડિયો કાશ્મીરના કુપવાડા જિલ્લાનો છે. જયાં લોલાબ ઘાટી વિસ્તારમાં સૈન્યએ કરેલી મદદને જોઈ શકાય છે.
લોલાબ ઘાટી વિસ્તારમાં ભારે હિમવર્ષાને કારણે કુપવાડાની એક હોસ્પિટલમાં મહિલા અને નવજાત શિશુ ફસાયા હતા. આ જાણીને ભારતીય સૈન્યના જવાનોએ તે મહિલા અને શિશુને સુરક્ષિત રીતે એમના ઘર સુધી પહોંચાડવા કવાયત કરી હતી. મહિલા સહિત આખો ખાટલો ઉપાડીને જવાનો બરફીલા રસ્તા પર 6 કિમી સુધી ચાલે છે. કુપવાડાની હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાએ એક બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ, ઘર સુધીના રસ્તાઓ પર બરફ જામી ગયો હતો. તેથી મહિલાને ઘરે જવું મુશ્કેલ હતુ. શ્રીનગર સહિત અનેક વિસ્તારમાં શનિવારે પણ હિમવર્ષા થઈ હતી. ઘુંટણ સુધી જામી ગયેલા બરફ વચ્ચે સૈન્યના જવાનોએ મહિલાને એના ઘર સુધી પહોંચાડી હતી. આ ઉપરાંત સતત હિમવર્ષા થઈ રહી હોવાથી જનજીવન ઠપ થઈ ગયું હતું. હોસ્પિટલથી મહિલાનું ઘર આશરે 6 કિમી દૂર હતું. આમ છતાં સૈન્યના જવાનોએ મહિલાને ઘરે પહોંચાડવા બીડુ ઝડપ્યું હતુ.
મહિલા તથા એના નવજાત શિશુને સુરક્ષિત ઘરે પહોંચાડી જવાનોએ સ્થાનિકોના દીલ જીતી લીધા હતા. હિમવર્ષાને કારણે કાશ્મીરમાં મોટાભાગના વિસ્તારોમાં રસ્તા પર બરફ જામી ગયો છે. જેના કારણે કોઈ વાહન ચાલી શકે એમ નથી. પરિવહન પણ ઠપ થઈ ચૂક્યું છે. પહાડી વિસ્તારમાં સર્જાયેલી આવી દુર્ગમ પરિસ્થિતિમાં માનવતા સાથે જવાનોએ કરેલું કાર્ય ખરેખર પ્રશઁસનીય છે. આ અગાઉ જાન્યુ.ની શરૃઆથમાં જ એક ગર્ભવતી મહિલાને આશરે બે કિમી સુધી જામી ગયેલા બરફમાં ચાલીને સૈન્યના જવાનોએ હોસ્પિટલ પહોંચાડી હતી. જે કુપવાડા વિસ્તારની રહેવાસી હતી. આ મહિલાએ પછીથી કરાલપુરા હોસ્પિટલમાં એક બાળકને જન્મ આપ્યો હતો.