કોરોનાની મહામારીથી ગુજરાત બેહાલ થઈ ચુક્યું છે. દરરોજ 10 હજારથી વધુ સંક્રમિતો તથા 100થી વધુ દર્દીઓના મોતની નોંધ સરકારી ચોપડે થઈ રહી છે. જો કે, હકીકીતમાં આ આંકડો વધુ હોવાના દાવા પણ થતા રહ્યા છે. આવા સંજોગોમાં કેટલાક સેવાભાવી લોકો અને ફ્રન્સલાઈન વોરિયરની કામગીરી કાબિલે તારીફ રહે છે. કોરોનાના કેસ વધતા જ રાજ્યમાં ફ્રન્ટલાઈન વર્કર્સ પર કામગીરીનું સતત ભારણ રહે છે. આમ છતાં પણ રાજ્યમાં ફ્રન્ટલાઈન વર્કર્સ કામગીરીમાં પીછેહઠ કરી રહ્યા નથી.
દાહોદમાં 108 એમ્બ્યુલન્સનો પાયલોટ યુવાન આજે સમગ્ર રાજ્યના લોકો માટે પ્રેરણારુપ બન્યો છે. તેના પિતાનું અવસાન થતાં જ તે પુત્રધર્મ નિભાવવા માટે ઘરે પહોંચ્યો હતો. જયા તેમણે પોતાના પિતાના અંતિમ સંસ્કાર કર્યા હતા. જે બાદ તે બીજા જ દિવસે પોતાની ફરજ પર હાજર થઈ ગયો હતો. દાહોદમાં 108 એમ્બ્યુલન્સમાં પાયલોટ તરીકે ફરજ બજાવતાં આ યુવાનનું નામ રમણ રાવળ છે. કોરોના કાળમાં સતત દોડતી 108માં તે સેવા આપવામાં કચાસ રાખતો નથી.
હાલમા રમણ રાવળના પિતાનું અવસાન થયું હતું. પિતાના અવસાનની અંતિમક્રિયા માટે તે તેના ઘરે પહોંચ્યો હતો. દિવસ દરમિયાન તેણે પોતાના પિતાની અંતિમક્રિયા પતાવી હતી. જે બાદ તે રાતોરાત પોતાના ફરજ માટે પરત ફર્યો હતો. પિતાના અવસાનનું દુઃખ તેના ચહેરા પર વર્તાયું હતુ આમ છતાં તેણે માનવસેવા અને ફરજની મહત્તાને પણ સમજી હતી. આખરે તે 108 એબ્યુલન્સ પર ફરજ બજાવવા માટે પરત ફર્યો હતો. કામનો સ્ટ્રેસ અને પરિવારમાં પિતાનું મોત થયું હોવા છતાં પણ આજે 108ને દોડાવીને દરરોજ કેટલાક દર્દીના જીવ બચાવવાનું પૂણ્યનું કામ કરી રહ્યો છે.