ભારત અને અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશો સાથે ચીન સતત ઘર્ષણમાં ઉતરી રહ્યું છે. ખાસ કરીને યુએસ તેના પર લગાન કસવા માંગે છે. પરંતુ ચીન પણ તેની સૈન્ય અને સરંક્ષણ ક્ષમતામાં વધારો કરી રહ્યું છે. મિસાઇલ તાલીમ ક્ષેત્રમાં તે નોંધપાત્ર કામગીરી કરી રહ્યું છે. એક અઠવાડિયાથી તો ચીની હિંદ મહાસાગરમાં ચીનના જહાજો સામે અમેરિકાએ પણ તેમના જહાજોની સંખ્યા વધારી દીધી છે. બીજી તરફ ચીનની હરકતો અંગે સેટેલાઇટે કેટલાક ફોટોગ્રાફ્સ લીધા હતા. જેમાં ચીનનું સૈન્ય તેમના વિસ્તારમાં મિસાઇલો રાખનારા સ્ટોરેજ કન્ટેનર, ટનલ અને સપોર્ટ સુવિધા વધારવા કવાયત કરી રહ્યાનું જણાયું છે.
ભારત અને અમેરીકા સાથે સતત બગડી રહેલા સંબંધોને કારણે ચીન ફાયરપાવર વધારવાની દીશામાં ગંભીરતાથી આગળ વધી રહ્યું છે. દુશ્મન પર પ્રભુત્વ મેળવવા મિસાઇલોનો ઉપયોગ વધારવા માંડ્યું છે. અદ્યતન મિસાઈલનો બનાવવાની દીશામાં પણ ચીની સરકારે સંશોધકોને આદેશ કરી દીધા છે. ચીનના સંરક્ષણ નિષ્ણાત અને ફેડરેશન ઑફ અમેરિકન સાયન્ટિસ્ટ્સના ન્યુક્લિયર ઇન્ફર્મેશન પ્રોજેક્ટના ડિરેક્ટર હેન્સ એમ ક્રિસ્ટેન્સે આ વિશે ફોડ પાડ્યો હતો કે, સેટેલાઇટ ફોટા મુજબ ચીન ઓછામાં ઓછા 16 મિસાઇલો બનાવી રહ્યાનું સ્પષ્ટ થઈ ગયું છે. ફોટોગ્રાફ્સમાં નવી મિસાઇલ લોન્ચિંગ સુવિધા અને લોડિંગ ઓપરેશનને છુપાવવા માટે ટનલ બની રહેલી દેખાઈ રહી છે. પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇના રોકેટ ફોર્સ ઇનર મોંગોલિયા પ્રાંતના જિલંતાઈ શહેરની પૂર્વમાં તાલીમ વિસ્તાર બનાવાયો છે. ટ્રકો અથવા ટ્રેનો ઉપર લાગેલી મિસાઇલો અને સહાયક વાહનોને પણ કેટલીક તસવીરમાં જોઈ શકાય છે. જિલંતાઈ તાલીમ ક્ષેત્ર રણ અને ડુંગરાળ વિસ્તાર સહિત કુલ 2,090 ચોરસ કિલોમીટર સુધી ફેલાયેલો છે. તેની લંબાઈ લગભગ 140 કિલોમીટર છે. 2013થી ચીન આ વિસ્તારમાં સૈન્યને લગતી ગતિવિધિઓ કરી રહ્યું છેછે.