ગુજરાતમાં શુક્રવારથી ફરી એકવાર ભારે વરસાદની આગાહી થઈ છે. જેને પગલે પ્રશાસન અને સરકાર સંભવિત કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે અત્યારથી એલર્ટ થયા છે. હાલમાં SDRFની 11 ટીમને વરસાદની સ્થિતિ માટે એલર્ટ રાખવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 23 જુલાઈએ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયા બાદ ગુજરાતમાં તેની અસર થવાની આગાહી વ્યક્ત કરતા જણાવ્યું છે કે, 23 જુલાઈ કે તે પછીના દિવસોમાં રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આ દિવસોમાં નોંધપાત્ર વરસાદ સંભવ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની મહેર જોવા મળશે.
બંગાળની ખાડીમાં આગામી 23મી જુલાઈએ ફરી એક વાર લો પ્રેશર સર્જાશે. જે બાદ ગુજરાતમાં ચોમાસાનું વાતવારણ જામી જશે. દક્ષિણ ગુજરાતમાં બંગાળ ખાડીના લો પ્રેશરની ભારે અસર વર્તાઈ તેવી સંભાવના છે. વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં SDRFની 11 ટીમને અલર્ટ મોડ પર રખાઈ છે. જ્યારે NDRFની કુલ 15 ટીમમાંથી 8 ટીમ ડિપ્લોય કરી દેવાઈ છે. જેમાં વલસાડ, સુરત, નવસારી, ગીરસોમનાથ, જૂનાગઢ, કચ્છ, મોરબી ખાતે એક એક ટીમ ડિપ્લોય કરાઈ છે. વડોદરામાં 6 ટીમ અને ગાંધીનગર માટે 1 ટીમ રીઝર્વ રાખવામાં આવી છે.
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવા કે મધ્યમ વરસાદ થશે. દક્ષિણ ગુજરાતની જેમ જ સૌરાષ્ટ્રમાં મેઘમહેર રહે તેમ છે. આ સિવાય રાજ્યના અનેક વિસ્તારોમાં મધ્યમ વરસાદ થશે. મહેસાણા, અરવલ્લી, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે. જયારે મધ્ય ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં મધ્યમ વરસાદ સંભવ છે. સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં મેઘરાજા તોફાની બેટીગ કરી શકે છે. હવામાન વિભાગે 23મી જુલાઈથી 26મી સુધીના ચાર દિવસ માટે માછીમારોને દરિયામાં નહીં જવા સલાહ આપી છે. બુધવારે સાંજ સુધીના ચોવીસ કલાકમાં રાજ્યના 10 તાલુકામાં 2 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે 27 તાલુકાઓમાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. બુધવારે 135 તાલુકામાં સારો વરસાદ નોંધાયો હતો. છોટાઉદેપુરના જેતપુરપાવી અને તાપીના ડોલવણામાં અઢી ઈંચ વરસાદ થયો હતો. ઉપરાંત છોટાઉદેપુરના બોડેલી, વલસાડના વાપી, વડોદરાના ડભોઈ, નર્મદાના દેડિયાપાડા, નવસારીના ખેરગામમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો.