બુધવારે ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટતાં રુપાણી સરકાર સતર્ક થઈ ગઈ હતી. સરકારે તાબડતોબ મહત્વની મીટીંગ યોજીને 4 મહાનગરોમાં સચિવોની નિમણૂંક કરતો નિર્ણય લીધો હતો. આ સચિવોને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. મળતી વિગતો મુજબ અમદાવાદ પાલિકામાં રાજીવ ગુપ્તા, વડોદરામાં વિનોદ રાવ અને મીલિંદ તોરવણે તથા રાજકોટ પાલિકા વિસ્તાર માટે રાહુલ ગુપ્તાને જવાબદારી સોંપવામાં આવી છે. જયારે સુરત પાલિકા વિસ્તારમાં કોરોના અંગેની સ્થિતિ પર નજર રાખવા એન થેન્નારરસનની નિમણૂંક કરીને તેને જવાબદારી સોંપવામાં આવી છે.
આ સાથે જ સરકારે રાજ્યમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જેવી જોગવાઈનું કડકપણે પાલન કરાવવા પોલીસ તંત્રને આદેશ આપ્યા છે. કોર કમિટીની બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તથા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મુખ્ય સચિવ અનિલ નિકમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્ય મંત્રીના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ, શિક્ષણ અગ્ર સચિવ અંજુ શર્મા અને વરિષ્ઠ સચિવો પણ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન રાજ્યમાં કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓને આપેલા દિશા નિર્દેશના પાલન માટે વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા કરાઈ હતી.
રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ માટે તમામ પગલા ભરવા તથા સારવારની સુવિધા વધારવાની દીશામાં પગલા લેવા પણ નિર્ણય કરાયો હતો. સાથે જ કોરોના ટેસ્ટીંગની સંખ્યા વધારવા તેમજ કોન્ટેક ટ્રેસિંગ ઉપર વિશેષ ધ્યાન આપવા તથા કંન્ટેનમેન્ટ ઝોન જરૂર જણાય ત્યાં વધારી દેવા આદેશ કરાયો હતો. મુખ્યમંત્રીએ વેકસીનેશનની કામગીરીનો વ્યાપ વધારવા વધુ સેન્ટરો ખોલવા સાથે મહાનગરોમાં પાલિકા ખાતે રાત્રે 9.00 વાગ્યા સુધી કાર્યક્રમ ચાલુ રાખવા સુચના આપી હતી. રુપાણીએ આ તકે કહ્યું હતુ કે, હાલ સરેરાશ રોજના દોઢ લાખ લોકોનું વેકેસીનેશન થાય છે તે વધારીને ત્રણ લાખ સુધી કરાશે. ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું કડકાઇથી પાલન થાય અને નિયમોના ભંગ સામે ગૃહ વિભાગ કડક કાર્યવાહી કરે તેવી સુચના પણ આપી દેવાઈ છે.