કોરોનાની બીજી લહેર શાંત થતાં જ હિલ સ્ટેશનો અને બીજા ટુરિસ્ટ પ્લેસ ઉપર સહેલાણીઓની ભીડ ઉમટી રહી છે. જેમાં મનાલી, સીમલા સહિતના જાણીતા સ્થળોએ તો જાણે કીડીયારુ ઉભરાઈ રહ્યું છે. બીજી લહેરની અસર ઓછી થતાં જ સરકારે પ્રતિબંધો હટાવવા માંડતા લોકો હવે ફરવી નીકળી રહ્યા છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડના હિલ સ્ટેશનો પર ભારે ભીડ દેખાઈ રહી છે. વળી સહેલાણીઓ દ્વારા કોરોના ગાઈડલાઈન્સના ધજાગરા ઉડી રહ્યા છે. મનાલી, શિમલા, મસૂરી કે નૈનીતાલ દરેક હિલ સ્ટેશન પર ભીડના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. બીજી તરફ દેશમાં કોરોનાની ત્રીજી લહેરની દસ્તક છે. આવા સંજોગોમાં સહેલાણીઓની બેદરકારીના દ્રશ્યોથી વ્યથિત નરેન્દ્ર મોદીએ નારાજગી વ્યક્ત કરી હતી. મોદીએ લોકોને કહ્યું હતુ કે, આજે હું ખુબ દબાણ આપીને કહીશ કે હિલ સ્ટેશનમાં, માર્કેટમાં, વગર માસ્ક પહેરે, વગર પ્રોટોકોલના અમલ કર્યે ફરવું હિતાવહ નથી. આ બાબત ખૂબ જ ચિંતાનો વિષય છે. કેટલાક લોકો કહે છે કે, ત્રીજી લહેર આવવા પહેલા અમે એન્જોય કરવા માગીએ છીએ. આ વાત લોકોએ સમજવી જરૂરી છે કે ત્રીજી લહેર એની જાતે નહીં આવે.
લોકોની બેદરકારી તેનું કારણ બની શકે છે. કોવિડની ગાઈડલાઈનના પાલનમાં બેદરકારી યોગ્ય નથી. કોરોના વાયરસના દરેક વેરિએન્ટ પર નજર રાખવાની જરુર છે. કારણ કે વાયરસ વારંવાર પોતાના સ્વરૃપને સતત બદલી રહ્યો છે. આપણા માટે પડકાર સર્જી રહ્યો છે. લોકો સવાલ પૂછે છે કે, ત્રીજી લહેર માટે શું તૈયારી છે પણ સવાલ એ હોવો જોઈએ કે, ત્રીજી લહેરને આવતા કેવી રીતે રોકી શકાય ? કોરોના પોતાની જાતે નથી આવતો, કોઈ લઈને આવે છે. જો આપણે સાવધાની રાખીશું તો ત્રીજી લહેરને ચોક્કસ જ અટકાવી શકાશે.