ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને IPL 2022 માં સતત બીજી હારનો સામનો કરવો પડ્યો. ગુરુવારે (31 માર્ચ) રમાયેલી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એ ચેન્નાઈને છ વિકેટે હરાવ્યું હતું. લખનૌને 211 રનનો વિશાળ ટાર્ગેટ મળ્યો હતો, જે તેણે ત્રણ બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો. પ્રથમ મેચમાં ચેન્નાઈને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે છ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.
લખનૌની ઇનિંગ્સ દરમિયાન CSKના કેપ્ટન રવિન્દ્ર જાડેજા બાઉન્ડ્રી લાઇનની નજીક ફિલ્ડિંગ કરતા જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં વિકેટકીપર અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની બોલરો અને ફિલ્ડરોને સૂચના આપતા જોવા મળ્યો હતો. મતલબ કે ધોની આડકતરી રીતે ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. જોકે, કેપ્ટન કૂલ પણ પોતાની ટીમને જીત અપાવી શક્યો ન હતો.
લખનૌને છેલ્લી બે ઓવરમાં જીતવા માટે 34 રનની જરૂર હતી. CSK માટે શિવમ દુબેએ 19મી ઓવર ફેંકી હતી. તે 19મી ઓવરમાં કુલ 25 રન આવ્યા, જેમાં બે ચોગ્ગા અને છગ્ગાનો સમાવેશ થાય છે. આ મેચ પલટાઈ ગયા બાદ લખનૌને જીતવા માટે છ બોલમાં નવ રન બનાવવાના હતા. મુકેશ ચૌધરીએ ફેંકેલી છેલ્લી ઓવરમાં આયુષ બદોનીએ પ્રથમ બોલ પર સિક્સર ફટકારીને ચેન્નાઈનું કામ તમામ કરી દીધું હતું.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટે 210 રન બનાવ્યા હતા. ઓપનર બેટ્સમેન રોબિન ઉથપ્પાએ 27 બોલમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી સૌથી વધુ 50 રન બનાવ્યા હતા. આ સિવાય શિવમ દુબેએ 49, મોઈન અલીએ 35 અને અંબાતી રાયડુએ 27 રનનું યોગદાન આપ્યું હતું. લખનૌ તરફથી અવેશ ખાન, એન્ડ્રુ ટાય અને રવિ બિશ્નોઈએ બે-બે વિકેટ લીધી હતી.
જવાબમાં લખનૌ સુપર જાયન્ટ્સે 19.3 ઓવરમાં ચાર વિકેટે 211 રન બનાવીને મેચ જીતી લીધી હતી. વિકેટ કીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકે સૌથી વધુ 61 રનની ઇનિંગ રમી હતી. પ્લેયર ઓફ ધ મેચ એવિન લુઈસે અણનમ 55 અને કેપ્ટન કેએલ રાહુલે 40 રનનું યોગદાન આપ્યું હતું. ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી ડ્વેન પ્રિટોરિયસે સૌથી વધુ બે ખેલાડીઓને આઉટ કર્યા હતા.