મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લામાં માનવતાને શર્મસાર કરતો એક કિસ્સો બહાર આવ્યો છે. જેમાં સરપંચના પતિ અને તેના ચાર સાગરિતોએ એક યુવાનના હાથ કાપી નાંખ્યા છે. ઈજાગ્રસ્ત યુવકને હાલમાં ગંભીર હાલતમાં હોશંગાબાદની ખાનગી હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. જયારે આરોપીઓની શોધખોળ કરતી બાબઈ પોલીસે ઠેર ઠેર દરોડા પાડવાનું શરુ કર્યું છે.
પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે હોશંગાબાદ જિલ્લામાં આવેલા બાબઈના ગામ ચોરાહેટની આ ઘટનામાં સરપંચના પતિ સાથે એક પરિવારને વર્ષોથી વિવાદ ચાલી આવ્યો છે. શુક્રવારે રાતે ગામનો 27 વર્ષીય સોમેશ ચૌધરી ગામ તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન નહેરની પાસે વેંકટ, કેશવ, ભગવાન સિંહ, નાતી ચૌધરી અને મકરંદે તેને જોઈને તેની બાઈકને આંતર્યું હતુ. ત્યારબાદ પાંચેય શખ્સો સોમેશ ઉપર તૂટી પડ્યા હતા. જે પછી તેના બંને હાથ કાપી નાંખ્યા હતા. ઘટનાના થોડા દિવસ પહેલાં યુવકે સરપંચના પતિનો કૉલર પકડ્યો હતો. આનાથી નારાજ લોકોએ યુવકને મારવા માટે યોજના ઘડી કાઢી હતી. જેમાં તક મળતાં જ યુવક સાથે મારઝુડ કરીને તલવારથી તેના બને હાથ કાપી નંખાયા હતા. ઘટનાની જાણકારી મળતા જ ગામના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જે બાદ ગામજનો ઈજાગ્રસ્ત સોમેશને હોશંગાબાદની ખાનગી હૉસ્પિટલમાં લઈ ગયા હતા. હાલમાં સોમેશની હાલત નાજૂક હોવાનું તબીબોએ જણાવ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી હતી. સોમેશ અને આરોપીઓ વચ્ચે જૂની અદાવતે વિવાદ ચાલી રહ્યો છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે પહેલા પણ તેઓ વચ્ચે તકરાર થઈ ચુકી છે. શુક્રવારે સવારે ઇટારસી સ્થિતિ અનાજ મંડીમાં સરપંચના પતિ અને યુવક વચ્ચે ઝઘડો થયો હતો. યુવકે આ દરમિયાન સરપંચના પતિનો કૉલર પકડી લીધો હતો. આ બાબતથી સરપંચનો પતિ નારાજ હતો. તેણે યુવકના આ કૃત્યનો બદલો લેવા નિર્ણય કર્યો હતો. જેથી જ યુવક પર હુમલો કરાયો છે. પોલીસ હવે આ કેસમાં સામેલ તમામ આરોપીને ઝડપવા એટીચોટીનું જોર લગાવી રહી છે. આ ઘટનાએ સમગ્ર મધ્યપ્રદેશમાં ભારે ચકચાર મચાવી દીધી છે. શિવરાજસિંહ ચૌહાણના શાસનમાં મધ્યપ્રદેશમાં ખાડે ગયેલી કાયદો વ્યવસ્થાની આ સ્થિતિ ખરેખર ચિંતાજનક હોવાનું બુદ્ધીજીવીઓ માની રહ્યા છે.