ભારતમાં મોડલ સ્ટેટ ગણાતા ગુજરાતમાં જમીની હકિકત આજે પણ ભયાનક છે. આત્મહત્યા, રેપ, ચોરી, ચીલઝડપ અને લૂંટની ઘટનાને રોકવામાં સરકાર કે પોલીસને ઝાઝી ગંભીરતા નથી. ચૂંટણી ટાંણે ફુલગુલાબી ચિત્ર રજૂ કરવામાં સફળ રહેતા શાસકો ફરી સત્તા પર આવી રહ્યા છે. હાલમાં માનવજાતને શર્મસાર કરતો એખ કિસ્સો અરવલ્લીમાં બન્યો છે. જયાં માત્ર ૧૨ વર્ષના દીકરાને માતા-પિતાએ ફક્ત રૂ.૧૦ હજાર જેવી રકમ મેળવવા ગીરવે મુકવાની નોબત આવી હતી. આ ઘટના સમાજની વાસ્તવિક સ્થિતિને પ્રતિબિંબિત કરી રહી છે. આ વાતની જાણ જિલ્લા બાળ સુરક્ષા વિભાગને થતાં અધિકારીએ બાળકને ઉગારીને ચિલ્ડ્ર્ન હોમમાં મોકલી આપ્યો હતો. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે.
અરવલ્લીમાં મા-બાપ પાસે આવકનું કોઈ સાધન ન રહેતાં ૧૨ વર્ષના દીકરાને ઘેટાં બકરાં ચરાવવા માટે ગીરવે મુકવો પડે તેવી સ્થિતિ આજે કેટલાય પરિવારોની છે. આમ છતાં સરકાર કે દંભી સમાજને તેની દરકાર રહી નથી. મોડાસા તાલુકાના ખંભીસર ગામની સીમમાં એક ૧૨ વર્ષના બાળકને મા-બાપે ૧૦ હજારમાં ગીરવે મુક્યો હોવાની વાત કેટલાક દિવસ પહેલાં અગમ ફાઉન્ડેશનને મળી હતી. આથી આ એનજીઓએ ખાનગી રાહે તપાસ આદરી હતી. દરમિયાન અરવલ્લી જિલ્લા બાળ સુરક્ષા વિભાગને પણ આ જ પ્રકારની માહિતી મળી હતી. જે બાદ અધિકારીઓએ પણ એનજીઓની મદદ લઈને બાળકની શોધખોળ શરૃ કરી હતી.
દરમિયાન ગુરુવારે અધિકારીઓ અને એનજીઓના સભ્યોની ટીમે તે ઘેટાં બકરાં ચરાવવા માટે ગીરવે મુકાયેલા બાળકને શોધી કાઢ્યો હતો. બાળકની પુછપરછ કરાતા અધિકારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. બાળકે કરેલી કેફિયત એવી હતી કે, આશરે ૧૨ વર્ષની ઉંમરનું આ બાળક માલપુર તાલુકાના વાંકાનેડા ગામનું હતુ. એક મહિના પહેલા તેના માતા પિતાને 10 હજાર રૃપિયાની ખૂબ જ જરૃર હતી. આવા સંજોગોમાં તેઓને કોઈ ઉછીની રકમ આપે તેમ ન હતુ. બેંક કે અન્ય કોઈ સંસ્થા પાસે મદદ માગવાની પ્રક્રિયા અટપટી હતી. તેથી મા-બાપે ૧૦ હજાર રૂપિયામાં બાળકને ગીરવે મુકવાનો નિર્ણય લીધો હતો. જે માણસે 10 હજાર આપ્યા તેના ઘરે ઘેટાં બકરાં હોવાથી બાળકની પાસે તેને ચરાવવાનું કામ પણ નક્કી કરાયું હતુ.
આ સોદામાં ૧૦ હજાર રૂપિયાની વ્યવસ્થા થશે ત્યારે નાણાં પરત આપી દીકરાને લઈ જઈશું તેવુ વચન માતા પિતાએ આપ્યું હતુ. જો કે, સદનસીબે બાળકનું રેસ્ક્યુ કરી મોડાસા ખાતે લવાયો હતો. બાદમાં તેનું મેડિકલ કરાવાયું હતુ. હવે તેને હિંમતનગર ચિલ્ડ્રન હોમમાં મોકલી અપાયો હોવાનું જાણવા મળ્યું છે. સરકાર ભલે ગમે તે દાવા કરે, પરંતુ મોંઘવારી દેશ માટે મોટી સમસ્યા છે. ચીજવસ્તુના વધતા ભાવો અનેક પરિવારોની આર્થિક ભીંસ વધારી રહ્યા છે. તેથી જ અરવલ્લી જેવી ઘટના બની રહી છે તે સત્ય અને નકરી વાસ્તવિકતા છે. જિલ્લા બાળ સુરક્ષા વિભાગના અધિકારી દિલીપસિંહ બિહોલાએ પણ આ ઘટનાને સમર્થન આપ્યું હતુ.